રાજ્યમાં ટ્રક-બસ વચ્ચે ભીષણ અકસ્માતઃ છનાં મોત, 20 ઘાયલ

અમદાવાદઃ રાજ્યના ભાવનગર-સોમનાથ હાઇવે પર ત્રાપજ નજીક ભીષણ અકસ્માત થયો હતો. રસ્તાની બાજુમાં પાર્ક કરેલા રેતી ભરેલા ટ્રકની પાછળ ખાનગી ટ્રાવેલ્સ બસ ઘૂસી જતાં છ લોકોનાં મોત થયાં છે, જ્યારે 20થી વધુ લોકો ઘાયલ થયા છે. આ ઈજાગ્રસ્તોને તળાજા અને ભાવનગર સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આ ટક્કર એટલી ભયાનક હતી કે બસની એક બાજુનો કચ્ચરઘાણ વળી ગયો હતો. તો બીજી તરફ બસના પતરાં કાપીને મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ત્રાપજ નજીક વહેલી સવારે છ વાગ્યે રેતી ભરેલા ડમ્પરની પાછળ ધડાકાભેર બસ ઘૂસી ગઈ હતી. આ ટ્રાવેલ્સ સુરત ખાતે સમૂહ લગ્નમાં હાજરી આપી ઉના પરત ફરી રહી હતી. આ અકસ્માત સર્જાતાં હાઈવે મુસાફરોની ચિચિયારીઓથી ગુંજી ઊઠ્યો હતો.

હોસ્પિટલમાં દર્દીઓને ધસારાને પગલે ટ્રોમા સેન્ટરમાં વધારાનો નર્સિંગ સ્ટાફ તૈનાત કરવામાં આવ્યો છે. હાલમાં મળી રહેલી માહિતી અનુસાર વધુ છ દર્દીઓ તળાજાથી ભાવનગર લાવવામાં આવી રહ્યા છે.

જોકે ઇજાગ્રસ્તો પૈકી અમુકની હાલત પણ હજુ ગંભીર મનાઈ રહી છે. જેને કારણે હજુ પણ મૃત્યુઆંક વધે તેવી શક્યતા જણાઈ રહી છે. બીજી તરફ અકસ્માતના પગલે સ્થાનિક પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

આ બનાવની જાણ થતાં જ સ્થાનિક પોલીસ, નેશનલ હાઈવે ઓથોરિટીનો સ્ટાફ તથા 108 એમ્બ્યુલન્સ સહિતનો મસમોટો કાફલો બનાવ સ્થળે દોડી ગયો હતો. તો બીજી તરફ બનાવની જાણ થતાં જ નજીકના ગ્રામ્ય વિસ્તારો તથા ભાવનગર શહેર અને જિલ્લાના સ્થાનિક રાજકીય અને સામાજિક અગ્રણીઓ પણ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને રાહત અને બચાવ કામગીરી કરી હતી.

કેન્દ્રીય રાજ્યમંત્રી અને ભાવનગર સાંસદ નીમુબહેન બાંભણિયાએ ભાવનગરની સર.ટી હોસ્પિટલના સ્ટાફને ઈજાગ્રસ્ત લોકોને ઝડપી સારવાર માટે જે પણ કરવું પડે તે કરવાં સૂચના આપી હતી. તેમણે તંત્રને સજાગ કરી અકસ્માત સ્થળ પર પહોંચવા અને બનતી તમામ મદદ પૂરી પાડવાની સૂચના આપી હતી.