ભારે ધાંધલધમાલ વચ્ચે મગફળીની ખરીદી શરુ, 30મી સુધી ઓનલાઈન નોંધણી

અમદાવાદ- રાજ્યમાં આજથી ટેકાના ભાવે મગફળીની ખરીદીની શરૂઆત થઈ છે. 15 નવેમ્બરથી રાજ્યના 122 સેન્ટરો પરથી મગફળીની ખરીદી શરુ કરવામાં આવી છે. 1થી 30 નવેમ્બર સુધી ઓનલાઇન નોંધણી કરાશે. ચાલુ વર્ષે મગફળીના ટેકાના ભાવ પ્રતિમણ દીઠ રૂ.1૦૦૦ જાહેર કરાયો છે.ટેકાના ભાવે મગફળની ખરીદી શરુ થતાં જ સૌરાષ્ટ્ર સહિતના માર્કેટ યાર્ડ ખાતે વિરોધ પ્રદર્શનો જોવા મળ્યા હતાં. જામ ખંભાળિયામાં ખેડૂતો દ્વારા મગફળી સળગાવી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

બીજી તરફ આજે વહેલી સવારથી મગફળી ખરીદ કેન્દ્રો પર ખેડૂતો મગફળી વેચવા પહોંચ્યાં હતાં. જ્યાં મોટાભાગના વેચાણ કેન્દ્રો પર સવારના 1૦ વાગ્યા સુધી કોઈ અધિકારી દેખાયા ન હતાં. જેથી ખેડૂતોએ આ ખરીદી કેન્દ્રમાં વ્યવસ્થા સંભાળતા અધિકારીઓની ગફલત સામે બળાપો કાઢ્યો હતો. જવાબદાર અધિકારીઓએ દોષનો ટોપલો બારદાન પહોચાડતા કોન્ટ્રાકટર પર ઢોળ્યો હતો અને ખરીદીકેન્દ્ર પર બારદાન પહોંચ્યા ન હોવાનો લૂલો બચાવ રજુ કર્યો હતો. નોંધનીય છે કે, અગાઉ ઓનલાઈન નોંધણીમાં પણ વિવાદ થયો હતો.મોરબી યાર્ડ ખાતે આજે વહેલી સવારે મગફળી વેચવા પહોંચેલા ખેડૂતોને મગફળી વેચ્યા વગર જ પરત ફરતા હોબાળો મચી જવા પામ્યો હતો. સરકારના પ્રતિનિધિઓ દ્વારા મગફળી માટે ઉચ્ચ ક્વોલિટી અને સેમ્પલ માટે મગફળીના ઢગલા કરવા હઠાગ્રહ સેવતા ખેડૂતો રોષે ભરાયા હતાં.ખુલ્લા મેદાનમાં મગફળીના ઢગલા કરવાના આગ્રહ સામે ખેડૂતોનું કહેવુ છે કે, ટ્રેકટરમાંથી સેમ્પલ લેવામાં આવે તેનો કોઈ વિરોધ નથી પરંતુ ઢગલા કર્યા બાદ ખેડૂતોને કહેવામાં આવે છે કે, આ મગફળી હલકી ગુણવત્તાની છે જેથી ખરીદી નહીં શકાય. ત્યારે માલ ઠાલવવાની અને પાછો ભરવાની મજૂરી ખર્ચ કોણ ચૂકવશે? જેથી મગફળી વેચવાના બદલે ખેડૂતો યાર્ડ છોડી ચાલ્યા ગયાં હતાં. તો જામખંભાળીયામાં કેટલાક ખેડૂતોએ રોષે ભરાઈને મગફળીને આગ ચાંપી હતી.

રાજયમાં અત્યાર સુધીમાં મગફળી વેચવા માટે અમદાવાદ જિલ્લામાં ૫૮, અમરેલીમાં ૧૭,૦૨૪, અરવલ્લીમાં ૧૧,૦૩૬, કચ્છમાં ૧,૧૩૯, ખેડામાં ૩૬૯, ગાંધીનગરમાં ૫,૩૦૩, ગીરસોમનાથમાં ૧૫,૦૦૬, જૂનાગઢમાં ૧૫,૩૩૭, જામનગરમાં ૧૦,૩૮૪, દેવભૂમિ દ્વારકામાં ૯,૧૦૪, પોરબંદરમાં ૪,૫૮૧, બનાસકાંઠામાં ૫,૭૨૯, બોટાદમાં ૯૦૩, ભાવનગરમાં ૬,૪૦૮, મહેસાણામાં ૨,૫૧૭, મોરબીમાં ૩,૨૯૭, રાજકોટમાં ૨૪,૩૦૧, સુરેન્દ્રનગરમાં ૧,૦૨૭ અને સાબરકાંઠામાં ૫,૮૩૩ ખેડૂતોએ નોંધણી કરાવી છે.

સાથે સાથે….

પ્રથમ દિવસે ૨૮૨૦ ખેડૂતો પાસેથી ૩૯,૦૦૦ ક્વિન્ટલ મગફળીની ખરીદી

રજિસ્ટ્રેશન કરાવેલા ૪૭૦૦ ખેડૂતોને મગફળીનો પાક લઈ આવવા એસ.એમ.એસ. કરાયા

પ્રથમ દિવસે જ અંદાજે રૂ. ૧૯ કરોડથી વધુ રકમની મગફળીની ખરીદી

૨૮૨૦ ખેડૂતોએ પોતાની ૩૯,૦૦૦ ક્વિન્ટલથી વધુ મગફળી ટેકાના ભાવે વેચી

રાજયભરમાં ૧૨૨ ખરીદ કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા

રાજયમાં ૨૬.૯૨ લાખ મેટ્રિક ટન મગફળીના ઉત્પાદનની સંભાવના

નાફેડની સાથે રહીને અન્ન નાગરિક પૂરવઠા નિગમે ખરીદીની પ્રક્રિયા કરી શરુ

કુલ ૫,૦૦૦ પ્રતિ ક્વિન્ટલના ભાવે મગફળીની ખરીદી કરાઈ રહી છે.