એકતા રથનો બીજા તબક્કો શરુ, સરદારથી ઊંચે સીએમ રુપાણી નજરે ચડ્યાં

અમદાવાદ- મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આજથી અમદાવાદ જિલ્લાનાં અસલાલીથી એકતા રથ યાત્રાના બીજા તબક્કાનો પ્રારંભ કરાવ્યો હતો. વિજય રૂપાણીએ કંકુબા પાર્ટી પ્લોટ પાસે અસલાલી કેળવણી મંડળ સંચાલિત પ્રાથમિક શાળાથી આ એકતા યાત્રાને પ્રસ્થાન કરાવી હતી. આ એકતા યાત્રાનો બીજો તબક્કો આગામી 20 નવેમ્બર સુધી રાજ્યમાં યોજાવાનો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં 20 ઓકટોબરથી 29 ઓકટોબર સુધી એકતા યાત્રાના પ્રથમ તબક્કામાં 59 એકતા રથ દ્વારા 33 જિલ્લાના 171 તાલુકાઓ અને 5471 ગામડાંઓ તથા 6 મહાનગરોના 131 વોર્ડને આવરી લેવાયા હતાં.

રાષ્ટ્રની એકતા અખંડિતતાના શિલ્પી સરદાર સાહેબના એકતાના સંદેશને જનજનમાં ઊજાગર કરવા યોજાઇ રહેલી આ એકતા યાત્રાના પ્રથમ ચરણમાં ગ્રામીણ, શહેરી વિસ્તારોના કુલ 16 લાખ 53 હજાર નાગરિકોએ દેશની એકતા માટેના શપથ લીધા છે. મુખ્યપ્રધાનની ઉપસ્થિતિમાં અસલાલીથી આજે શરૂ થઇ રહેલી એકતા યાત્રાના બીજા ચરણમાં અમદાવાદ જિલ્લાના 45 ગામોને પણ આવરી લેવાશે.

એકતા યાત્રાના પ્રસંગે વિધાનસભા અધ્યક્ષે જણાવ્યું હતું કે સરદાર સાહેબે રજવાડા એક કરીને અખંડ ભારતનું નિર્માણ કર્યું હતું. આજે 182 મીટર ની તેઓની પ્રતિમા ગુજરાતના 182 લોક પ્રતિનિધિઓને પ્રેરણા આપશે. સરદાર સાહેબે સોમનાથ મંદિરનો જિર્ણોદ્ધાર કર્યો હતો ત્યારે હવે આવનારા સમયમાં દેશની આસ્થા સમાન ભગવાન રામનું મંદિર પણ બનાવવામાં આવશે અને ભવ્ય મંદિર બનાવાશે એવી લાગણી વ્યક્ત કરી હતી.

વિજય રૂપાણીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીનો ઉલ્લેખ કરી જણાવ્યું હતું કે, આજે રોજ ૨૫ હજારથી વધુ મુલાકાતીઓ તેની મુલાકાતે આવે છે. આ પ્રવાસીઓની મુલાકાત સચવાય તે માટે રાજ્ય સરકારે અનેક નિર્ણયો કર્યા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી એ એક અર્થમાં તીર્થ યાત્રા બને અને જન-જનમાં એકતા –અખંડિતતાનો ભાવ સુદ્રઢ બને તે માટે રાજ્ય સરકાર કટીબધ્ધ છે.