વાયબ્રન્ટ સમિટ માટે દોડી રહેલી રુપાણી સરકાર, દિલ્હીમાં યોજાશે પ્રથમ રોડ-શો

ગાંધીનગર: 16 નવેમ્બર એટલે કે આવતીકાલે વિજય રુપાણી દિલ્હીમાં વાયબ્રન્ટ ગ્લોબલ સમિટ-ર૦૧૯ની વિશેષતાઓ અંગે રોડ-શૉ અને વેપાર-ઊદ્યોગ અગ્રણીઓ સાથે વન-ટુ-વન બેઠકો યોજશે. ઉપરાંત વિવિધ રાષ્ટ્રોના રાજદૂતો સાથે બેઠકો પણ યોજશે. વાયબ્રન્ટ ગુજરાત-2019નો આ કર્ટન રેઇઝર કાર્યક્રમ હશે.વિજય રુપાણી 16 નવેમ્બરે નવી દિલ્હીની હોટલ તાજ પેલેસમાં સવારે ૯ થી ૧ દરમિયાન ઉદ્યોગ-વેપાર જગતના વરિષ્ઠ સંચાલકો – અગ્રણીઓ સાથે વાયબ્રન્ટ સમિટ-ર૦૧૯ સંદર્ભે બેઠકો યોજશે.

વિજય રુપાણી આગામી વાયબ્રન્ટ સમિટની વિશેષતાઓ સાથો સાથ ગુજરાતની વૈશ્વિક ફલક પર વિકસી રહેલી બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટીનેશનની પ્રતિભા સંદર્ભમાં આ ઊદ્યોગ-વેપાર અગ્રણીઓ સમક્ષ વિશદ વિચાર-વિમર્શ, રોડ-શૉ અને વન-ટુ-વન બેઠકમાં કરશે.

મુખ્યપ્રધાન વિવિધ રાષ્ટ્રોના નવી દિલ્હી સ્થિત રાજદૂતો-ડિપ્લોમેટ્સને પણ શુક્રવારે સાંજે મળશે અને વાયબ્રન્ટ ગ્લોબલ સમિટ-ર૦૧૯ વિષયક પ્રસ્તુતિ કર્ટન રેઇઝર હેઠળ કરશે.

આ બેઠકોમાં ભારત સરકારના વિદેશ, ઊદ્યોગ તથા અન્ય મંત્રાલયોના વરિષ્ઠ સચિવો, મુખ્ય સચિવ. ડૉ. જે. એન. સિંહ, મુખ્યપ્રધાનના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, અગ્ર સચિવ એમ. કે. દાસ, સચિવ અશ્વિનીકુમાર, ઉદ્યોગ કમિશનર મમતા વર્મા અને ગુજરાત સરકારના સંબંધિત ઉચ્ચ અધિકારીઓ પણ જોડાશે. મુખ્યપ્રધાન શુક્રવારે મોડી રાત્રે ગાંધીનગર પરત આવશે.