અમદાવાદ- સરખેજ- ગાંધીનગરથી ચીલોડા સુધીના 44 કિલોમીટરના હાઇવેને છ માર્ગીય બનાવવામાં આવશે. આ કામ પાછળ રૂ. 867 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. જેને લઈને આજે સોલા સિવિલ ખાતે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સિક્સ લેન હાઈવે પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીયપ્રધાન મનસુખ માંડવિયા પણ હાજર રહ્યાં હતાં.
હાલ સરખેજ-ગાંધીનગરથી ચિલોડા સુધીનો રસ્તો ફોર લેન છે. આ રસ્તાને પહોળો કરીને સિક્સ લેન કરવામાં આવશે. આ ઉપરાંત હાઇવેની બંન્ને બાજુ સાત મીટર પહોળો સર્વિસ રોડ પણ બનાવવામાં આવશે.
સાત નવા ફ્લાયઓવર પણ બનાવવામાં આવશે
આ રૂટમાં સરખેજથી ચિલોડા સુધીમાં આવતા ઉજાલા સર્કલ, સાણંદ ચોકડી, પકવાન ચાર રસ્તા, વૈષ્ણોદેવી, ઉવારસદ, સરગાસરણ અને ઇન્ફોસિટી ખાતે ફ્લાયઓવર બનાવવામાં આવશે.
અમદાવાદના થલતેજ અંડરપાસથી લઈને સોલા ભાગવત સુધી 4.18 કિલોમીટરનો એલિવેટેડ કોરિડોર પણ બનશે. આ કોરિડોર ગુજરાતનો પ્રથમ સિક્સ લેન એલિવેટેડ કોરિડોર હશે. હાઇવે પર આવતા બે રેલવે બ્રિજને પણ 7-8 લેન પહોળા કરવામાં આવશે.
પ્રથમ વખત લેન્ડ સ્કેપિંગનો પ્રયોગ કરાશે
44 કિલોમીટરના રસ્તા પર આકર્ષણ માટે દેશમાં સૌ પ્રથમ વખત લેન્ડ સ્કેપિંગનો પ્રયોગ કરવામાં આવશે. જેમાં હાઇવેની બંને બાજુએ ડિઝાઇનવાળા રસ્તા કરાશે. જેમાં ગાર્ડનિંગ કરવામાં આવશે. આ ઉપરાંત હાઇવે પર સાઉન્ડ બેરિયર તથા ડિસ્પ્લે બોર્ડ મૂકાશે. આ ડિસ્પ્લેમાં વાહનચાલકો હવામાન તેમજ આગળ ટ્રાફિકની માહિતી મેળવી શકશે.