અમદાવાદઃ યુનો દ્વારા જાહેર કરવામાં આવેલો માતૃભાષા ગૌરવ-દિન 21મી ફેબ્રુઆરીના રોજ વિશ્વભરમાં ઉજવાય છે. ત્યારે આ નિમિત્તે ગણપત યૂનિવર્સિટીની સયન્સ કોલેજ-મહેસાણા અર્બન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સમાં કેટલાક પસંદગીના ગુજરાતી પુસ્તકોનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.
મૂળ બંગાળી માતૃભાષા બોલતા બાંગ્લાદેશ પર પાકિસ્તાને ઉર્દુ ભાષાને રાષ્ટ્રભાષા તરીકે લાદી દેતા વિદ્યાર્થીઓ દ્વારા બંગાળીને જ રાષ્ટ્રભાષા તરીકે રાખવા માટે આંદોલન કરવામાં આવ્યા હતા. એ આંદોલનમાં ચાર વિદ્યાર્થીઓના મૃત્યુ થયા હતા. કોઈપણ દેશમાં માતૃભાષા માટે શહીદી વહોરવાની એ પ્રથમ ઘટના હતી તેથી યૂનોએ એ દિવસને વિશ્વ માતૃભાષા દિવસ તરીકે જાહેર કર્યો હતો. જેને આજે વિશ્વભરમાં ઉજવવામાં આવે છે.
વિદ્યાર્થીઓ અને ખાસ કરીને અંગ્રેજી માધ્યમોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી, માતૃભાષા પ્રત્યે પ્રેમ કેળવે, તેના સાહિત્યિક અને સાંસ્કૃતિક વારસાને ભાષા દ્વારા જાણે અને પોતાના ગૌરવ સમા પ્રાદેશિક સંસ્કારોનું સંવર્ધન કરે એટલા માટે ઉજવાતા આ અવસરના ભાગરુપે ગણપત યુનિવર્સિટી સાયન્સ કોલેજના વિદ્યાર્થીઓએ ગુજરાત નાટ્ય અને વક્તૃત્વ સ્પર્ધાઓમાં પણ ભાગ લીધો હતો.