અમરેલીઃ રાજ્યમાં હવે પ્રતિ દિન બેત્રણ કિસ્સાઓ હાર્ટએટેકના આવી રહ્યા છે. ગઈ કાલે અંકલેશ્વરમાં 10 વર્ષની એક બાળકીનું હાર્ટ એટેકને કારણે મોત થયું હતું. જ્યારે આજે અમરેલીમાં એક વિદ્યાર્થિનીનું હૃદય બંધ પડી જતાં મોત થયું છે. આ વિદ્યાર્થિની સ્કૂલમાં પેપર લખતાં લખતાં અચાનક ઢળી પડી હતી.
પ્રાપ્ત વિગતો પ્રમાણે અમરેલીની શાંતાબા ગજેરા સ્કૂલમાં નવમા ભણતી એક વિદ્યાર્થિની સ્કૂલમાં પરીક્ષાનું પેપર લખી રહી હતી. તે પેપર લખતાં અચાનક ઢળી પડી હતી. તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. પ્રાથમિક તારણમાં તેને હાર્ટ એટેક આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. જોકે મોતનું સ્પષ્ટ કારણ પોસ્ટમોર્ટમ રપોર્ટ આવ્યા બાદ જાણવા મળશે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં હાર્ટ અટેકથી સુરતમાં ત્રણ તો ભાવનગર અને વડોદરામા એકનું મોત થયું છે. સુરતના કતારગામ વિસ્તારમાં શેરબજારનું કામ કરતા 48 વર્ષીય વ્યક્તિને હાર્ટ અટેક આવતા તેઓ બાથરૂમમાં ઢળી પડી હતી. તે ઉપરાંત ટેલરિંગનું કામ કરતા વસંત ભાઈ ચૌધરીને છાતીમાં દુખાવો થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં લઇ જવાયા હતા જ્યાં તેમનું મોત થયું હતું. બમરોલીમાં વિસ્તામાં યુવક ગેરેજ ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. ઘરે બેઠો હતો ત્યારે અચાનક જ તેમની તબિયત લથડી હતી અને બાદ હાર્ટ અટેક આવતા તે ઘરમાં જ ઢળી પડ્યો હતો. ભાવનગર શહેરના રસાલા કેમ્પમાં રહેતા આધેડ મહિલાનું હાર્ટ અટેક થી મોત થયું છે. વડોદરાના આજવા રોડ વિસ્તારમાં રહેતા 46 વર્ષિય અમિત પ્રવીણચંદ્ર દેસાઈનું હાર્ટ એટેકથી મોત થયું છે.