ગુજરાતમાં વધતી ટ્રાફિકની સમસ્યા સહિત રખડતા ઢોર અને ખરાબ રસ્તા મુદ્દે હાઈકોર્ટમાં સુનવણી હાથ ધરવામાં આવી હતી. ગુજરાત હાઈકોર્ટમાં એડવોકેટ જનરલની હાજરીમાં સુનાવણી યોજાઈ હતી. કોર્ટમાં ટ્રાફિક જોઈન્ટ કમિશનર ઓફ પોલીસે આપેલી માહિતી પ્રમાણે ટ્રાફિક નિયમોના પાલનમાં પોલીસને પ્રજાના સહકારની અપેક્ષા છે. લોકોને ટ્રાફિક નિયમો અંગે જાગરૂક કરવા સેમિનાર, હોર્ડિંગ, બેનર્સ અને રોડ શો જેવા કાર્યક્રમો યોજવામાં આવે છે.
ટ્રાફિકની વધતી સમસ્યાને લઈ કોર્ટની સુનાવણીમાં ટ્રાફિક JCPની એફિડેવિટ ઉપર ચર્ચા કરવામાં આવી હતી. મળતી માહિતી અનુસાર સુનાવણીમાં કોર્ટે કહ્યું કે, કાગળો ઉપર બધું છે, રોડ ઉપર કામ નહીં. તમારા કોન્સ્ટેબલ શું કરે છે જુઓ. ગલ્લે પાન ખાતા લોકો અને કોન્સ્ટેબલના રોડ ઉપર થતાં કામમાં કોઈ ફેર નહીં. આ ઉપરાંક કોર્ટે કહ્યું અમદાવાદ ફક્ત ત્રણ વિસ્તારમાં નથી ,વળી આ મેટર આખા રાજ્ય માટે છે. બધું બધાને દેખાય છે, લોકો રોડ ઉપર ફરતા જ હોય છે. મોટા સાહેબ આવે ત્યારે બધા રસ્તા બંધ થઈ જાય છે, ત્યારે ક્યાંથી ફોર્સ આવે છે? કોર્ટે કહ્યું કે, હવે મોટા સાહેબને કોર્ટમાં બોલાવવા પડશે. સરકારે જે પગલાં અને દંડ કર્યા તેની માહિતી આપી હતી. સરકારે કહ્યું ટ્રાફિક પોલીસ સ્ટેપ બાય સ્ટેપ પગલાં લઈ રહી છે. નો પાર્કિગની નોટિસો ચોંટાડાઈ રહી છે. કોર્ટે કહ્યું તેનાથી કશું ના થાય.
