ભાવનગરમાં ડેન્ગ્યુ-ટાઈફોઈડ સહિત રોગચાળાનો વધ્યો કહેર

ચોમાસા બાદ ગુજરાતભરમાં રોગચાળાની રાફડો ફાટેલો જોવા મળી રહ્યો છે. ત્યારે ભાવનગર શહેરમાં રોગચાળાએ માથું ઊંચક્યું છે. શહેરમાં ટાઈફોઈડ, ડેન્ગ્યુ અને ચિકનગુનિયાની સાથે તાવ અને શરદી ઉધરસના વાયરલ કેસોમાં પણ વધારો નોંધાયો છે. ત્યારે રોગચાળાએ માથું ઉચકતા આરોગ્ય વિભાગ માટે ચિંતાનો વિષય બન્યો છે.

ભાવનગર શહેરમાં છેલ્લા ત્રણ મહિનામાં ટાઈફોઈડના 44થી વધુ શંકાસ્પદ કેસો નોંધાયા છે. આ ઉપરાંત શરદી ઉધરસના 2500થી વધુ કેસો નોંધાયા છે. તાવના પણ ત્રણ મહિનામાં 1000થી વધુ કેસો નોંધાયા છે. ડેન્ગ્યુના ત્રણ મહિનામાં 25થી વધુ કેસો નોંધાયા છે. મનપાના આરોગ્ય વિભાગ દ્વારા ટાઈફોઈડના મામલે પાણીના સેમ્પલો લેવાની કામગીરી કરવામાં આવે છે. આ ઉપરાંત મનપાના આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ઘરે ઘરે જઈ સર્વે કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવે છે. ભાવનગર શહેરમાં ત્રણ મહિનામાં વધેલા રોગચાળાને લઈ હાલ આરોગ્ય વિભાગ સતર્ક બની કામગીરી કરી રહ્યું છે.

ત્યારે બીજી બાજુ જૂનાગઢમાં બેવડી ઋતુમાં રોગચાળાના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 2 મહિનામાં શરદી, ઉધરસ, તાવ, ઝાડા ઉલટી, ઈન્ફેક્શનના કુલ 800થી વધુ દર્દીઓ નોંધાયા છે. જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં રોગચાળાના કેસોમાં નોંધપાત્ર જોવા મળ્યો છે. સપ્ટેમ્બર મહિના દરમિયાન શરદી, ઉધરસ, તાવ અને ઈન્ફેક્શનના કુલ 189 કેસ નોંધાયા હતા. જેની સામે ઓક્ટોબરમાં 239 દર્દીઓ નોંધાયા છે, બીજી તરફ ઝાડા ઉલટીના સપ્ટેમ્બરમાં 99 કેસ હતા તો ઓક્ટોબર મહિનામાં 249 દર્દીનો વધારો થયો છે, જ્યારે ડેન્ગ્યુમાં ઓક્ટોબર મહિના દરમિયાન 14 અને સપ્ટેમ્બર મહિનામાં 16 તેમજ મેલેરિયાના કુલ બે મહિના દરમિયાન 12 કેસ નોંધાયા છે.