ગુજરાતભરમાં ભારે વરસાદને પગલે રોગચાળો પણ વકર્યો છે. ત્યારે જામનગર શહેર અને જિલ્લામાં મોસમે મિજાજ બદલ્યો છે. જિલ્લામાં બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. એક જ દિવસમાં શિયાળો, ઉનાળો અને ચોમાસા ત્રણે ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. અને મિશ્ર ઋતુને કારણે જામનગર શહેર-ગ્રામ્ય વિસ્તારોમાં તહેવારો ટાણે જ ઋતુજન્ય અને મચ્છરજન્ય રોગચાળો બેકાબુ બન્યો છે. જેને અનુલક્ષીને જી.જી.હોસ્પિટલના બાળકોના વિભાગમાં 50 બેડનો એક વધારાનો વોર્ડ ગઈકાલે તા.21થી શરૂ કરવવામાં આવ્યો છે.
જામનગરના શહેરી વિસ્તારની વાત કરીએ તો 12 અર્બન હેલ્થ સેન્ટરોની ઓપીડીમાં શરદી-તાવ, ખાલી તાવ તેમજ ડેન્ગ્યુના લક્ષણો ધરાવતા રોજના સંખ્યાબંધ દર્દીઓ આવે છે. થોડા સમયમાં તંત્રને તાવના 300થી વધુ કેસોમાં મળી આવ્યો છે, જેમના બ્લડ સેમ્પલ લઈને તાવની ચકાસણી કરવામાં આવી હતી. આ જ રીતે જામનગરની જી.જી.હોસ્પિટલના મેડિસીન વિભાગમાં દૈનિક 300થી વધુ દર્દીઓની ઓપીડી રહેવા પામે છે. જેમાંથી રોજ 106 થી 120 ની સરેરાશમાં દર્દીઓ હોસ્પિટલમાં દાખલ થાય છે. જેપૈકી રોજ 30-35 દર્દીઓ ડેન્ગ્યુના અને બાકીના ઋતુજન્ય તાવ અને શરદી-તાવના દર્દીઓ હોય છે. આવા દર્દીઓની સંખ્યા વધી જતાં હવે હોસ્પિટલ દ્વારા 50 બેડનો એક વધારાનો વોર્ડ ચાલુ કર્યો છે. આમ તહેવાર ટાણે મિશ્ર ઋતુને કારણે સિઝનલ અને મચ્છરજન્ય રોગચાળાનો કહેર વધવા પામ્યો છે.