લૉકડાઉનમાં ગ્રામીણ મહિલાઓ માટે રોજગાર સર્જન

સુરત: લૉકડાઉનની એક સારી અસર એ થઇ કે એવા અનેક લોકો સેવા કાર્યોમાં જોડાયા છે જેમણે જીવનમાં ક્યારેય સેવાના કાર્યો કર્યા નથી. અલબત્ત એક હકીકત તો સ્વીકારવી જ રહી કે દરેક શહેર અને ગામમાં ચાલેલા રસોડાએ સમાજની અને સરકારની લાજ રાખી લીધી છે. લાખો લોકોને જો આ સ્વયંસેવી સંસ્થાઓ અને વ્યક્તિઓએ ભોજન ન આપ્યું હોત તો? દ્રશ્યની કલ્પના જ ભયાવહ છે. ખેર, આ વાત એટલે કરી કે નવા સમાજ સેવકો તો અનેક આવ્યા પણ જે પેહલેથી જ ધૂણી ધખાવીને બેઠા છે એ શું કરે છે?

છેલ્લા એક દાયકામાં સુરત અને દક્ષિણ ગુજરાતમાં ગ્રામીણ મહિલાના ઉત્થાન અને સુખાકારી માટે અનેક પ્રવૃત્તિ કરનાર શક્તિ ફાઉન્ડેશન અને એના સ્થાપક ડૉ સોનલ રોચાણીએ લૉકડાઉન ના આ સમયમમાં પણ ગ્રામીણ મહિલાઓને રોજગારી મળી રહે એનું ધ્યાન રાખ્યું છે. આમ તો હજારો મહિલા વચ્ચે એમણે સ્વયંસેવી સંગઠનો બનાવેલા છે. કોરોનાના ની આફત વખતે આ ગરીબ ગ્રામીણ મહિલાઓ ભૂખે ન મરે એટલે શક્તિ ફાઉન્ડેશન દ્વારા ગ્રામીણ બેહનો પાસે કોટન માસ્ક બનાવડાવ્યા, આ માસ્કનું વેચાણ 10 લાખનું થયું.

આ શક્ય બન્યું કારણ કે 300 થી વધુ મહિલા સ્વ-સહાય જૂથને શક્તિ ફાઉન્ડેશન દ્વારા પેહલેથી સિલાઈની તાલીમ મળી હતી અને એમને આ કામ આવડતું હતું. સાથે જ એ આ એક સંગઠન સાથે સક્રિય રીતે જોડાયેલા હતા. 10 લાખના માસ્કની મહત્તમ આવક આ ગરીબ ગ્રામીણ બેહનો માટે હાલ તો સંજીવની જેવી છે. અને યાદ રહે આ કામ બીજા બધા કરતા પહેલા એપ્રીલના પ્રથમ અઠવાડીયે જ શરૂ કરેલું, બીજા અનેક કરતા અગાઉ.

આ તો થયું એક કામ. શક્તિ ફાઉન્ડેશનને ફૂડ ડિલિવરી માટે જાણીતા “ઝોમેટો”એ 5000 અનાજની કીટ છેક દિલ્હીથી મોકલાવી હતી, એ ગ્રામીણ વિસ્તારમાં વિતરણ કરવા માટે. વલસાડ જિલ્લાના ધરમપુરમાં યુવા દંપતી ઋષિત અને પૂર્વજા મસરાણીના અને મિત્રોના માધ્યમથી 1200 કીટ નું વિતરણ થયું તો શક્તિના અન્ય સંપર્કો થી માંડવી, નિઝર, ઉચ્છલ જેવા ગરીબ આદિવાસી વિસ્તારમાં બાકીની કીટ વિતરિત થઇ રહી છે. એકલી રાશન કીટ નહિ આ આદિવાસી વિસ્તારમાં માસ્ક અને સૅનેટાઇઝરનું વિતરણ પણ કર્યું છે. લગભગ 400 જેટલા પરપ્રાંતીય શ્રમિકોની વતન વાપસીમાં પણ શક્તિ ફાઉન્ડેશનના ડૉ સોનલબહેન માધ્યમ બન્યા અને એમની તમામ વ્યવસ્થા કરી હતી.

લૉકડાઉનના સમયમાં પણ એકલા શક્તિ ફાઉન્ડેશન દ્વારા આવી અનેક પ્રકારની કામગીરી કરી છે. ગ્રામ ઉત્થાન માટે સતત કાર્યરત શક્તિ ફાઉન્ડેશનમાં નિવૃત સરકારી અધિકારી, ડૉક્ટર,વકીલ, પ્રોફેશનલ જેવા લોકો છે પણ આ બધા માં શક્તિ  ફાઉન્ડેશન અને એના સ્થાપક ડૉ સોનલ રોચાણીની કથા પણ રોચક છે. અંગ્રેજી સાહિત્યમાં પીએચડી કરીને થોડા વર્ષો પત્રકારત્વ કાઢીને એ હવે પૂર્ણ સમય સમાજસેવી છે. અન્યાય સામે અવાજ ઉઠાવવો અને સાચો વિકાસ ગામડા થકી જ થઇ શકે એવું દ્રઢતાથી માને છે અને એ બાબતે કાર્યશીલ પણ છે. લૉકડાઉનના સમયગાળામાં પણ એ સતત કાર્યરત છે જેમની સાથે કામ કર્યું છે એ મહિલાઓને લૉકડાઉનમાં પણ રોજગારી મળી રહે એની ચિંતા કરતા રહે છે.

(ફયસલ બકીલી)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]