રાજ્યમાં કોરોનાના નવા 396 કેસઃ 27 લોકોનાં મોત

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. એમાંય અમદાવાદની જો વાત કરવામાં આવે તો, અમદાવાદની સ્થિતિ ગંભીર છે. અમદાવાદમાં કોરોના વાયરસના કેસોનો કુલ આંકડો 10,000 ને પાર પહોંચી ગયો છે. લોકડાઉન 4.0 અંતર્ગત નોનકન્ટેનમેન્ટ ઝોનમાં રાજ્ય સરકાર દ્વારા કેટલીક છૂટછાટ આપવામાં આવી છે. રાજ્યના આરોગ્ય સચિવ જયંતી રવિએ આપેલી વિગતો અનુસાર, ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના પોઝિટિવનાં વધુ 396 જેટલા કેસ નોંધાયા છે. અને 27 લોકોનાં મોત નિપજ્યા છે. આ પૈકી 10 લોકોનાં મોત પ્રાથમિક રીતે કોરોનાને કારણે તો 17 લોકોને અન્ય પ્રકારની ગંભીર બીમારીઓ હતી. અને છેલ્લા 24 કલાકમાં 289 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ રાજ્યમાં કોરોનાનાં કેસનો કુલ આંક 13669 થયો છે. જ્યારે કોરોનાને લીધે કુલ મોતનો આંક 829 અને ડિસ્ચાર્જનો કુલ આંક 6169 થયો છે. ચિંતાની વાત એ છે કે, અમદાવાદમાં કોરોના કેસનો કુલ આંક 10 હજારને પાર થઈ ગયો છે.

છેલ્લા 24 કલાકમાં કુલ 396 કેસ નોંધાયા હતા, જેમાંથી અમદાવાદમાં 299, સુરતમાં 29, વડોદરામાં 35, ગાંધીનગરમાં 9, આણંદમાં 3, રાજકોટમાં 4, અરવલ્લીમાં 5, મહેસાણામાં 4, મહીસાગર-ખેડા-પાટણમાં 2-2, ગીર સોમનાથમાં 6, નવસારીમાં 1, જૂનાગઢમાં 8, પોરબંદરમાં 1, સુરેન્દ્રનગરમાં 2, મોરબીમાં 1, તાપીમાં 3 અને અમરેલીમાં કુલ 2 કેસ નોંધાયા હતા.