એકતાયાત્રાને રાજયભરમાં વ્યાપક જન પ્રતિસાદઃ સરકાર

ગાંધીનગરઃ રાષ્ટ્રની એકતા અને અખંડીતતાના શિલ્પી અને લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના એકતા સંદેશને જન જનમાં ફેલાવવા રાજ્યમાં યોજાઈ રહેલી એકતા યાત્રાને ઉત્સાહપૂર્ણ જન પ્રતિસાદ ગામે ગામ મળી રહ્યો છે. રાજ્યમાં બે તબક્કામાં ૧૦ હજાર ગામોમાં યોજાનારી આ એકતા યાત્રાના પ્રથમ તબક્કાનો રાજ્યવ્યાપી આરંભ થયો છે.

યાત્રાના બે દિવસ દરમિયાન ૩૩ જિલ્લા અને અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા અને જૂનાગઢ એમ ૫ મહાનગરોમાં ૬૩ એકતા રથ ૧૧૩૦ ગામો અને મહાનગરોના ૧૬ વોર્ડમાં ફર્યા હતા. ૩ લાખ ૫૭ હજાર નાગરિકો સરદાર સાહેબની પ્રતિમાની પ્રતિકૃતિ સાથેની આ રથ યાત્રામાં ઉત્સાહપૂર્વક જોડાયા હતા અને એકતાના સામુહિક શપથ લીધા હતા.

આ એકતા યાત્રા દરમિયાન એકતા રથ દ્વારા પ્રસારિત થતા સરદાર સાહેબના જીવન કવન અને રાષ્ટ્ર માટેના તેમના કાર્યપ્રદાનના પ્રેરણા સંદેશને પણ સૌએ ઝીલ્યો હતો. સરદાર સાહેબની વિશ્વની  વિરાટ અને સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના ૩૧ ઓક્ટોબરે લોકાર્પણ પૂર્વે જન જનમાં એકતાનો રાષ્ટ્ર ભાવ ઉજાગર કરવા આ યાત્રા યોજાઈ રહી છે.

મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઈ પટેલ સહિત વરિષ્ઠ પ્રધાનોએ ૧૯ ઓક્ટોબરે આ યાત્રાનો પાંચ રિજિયનથી પ્રારંભ કરાવ્યા બાદ ૨૦મીથી આ એકતા યાત્રાનું નેતૃત્વ જુદા જુદા જિલ્લામાં મંત્રીઓ પદાધિકારીઓ કરી રહ્યા છે.