સ્ટેચ્યૂ ઓફ યુનિટી : 75,000 ગુજરાતી આદિવાસીઓ મોદીનો કરશે વિરોધ

અમદાવાદ- કેન્દ્ર અને ગુજરાત સરકાર વિશ્વની સૌથી ઉંચી સરદાર પટેલની પ્રતિમા ‘સ્ટેચ્યુ ઑફ યુનિટી’ના અનાવરણની તૈયારી કરી રહ્યાં છે, પરંતુ પ્રતિમાની નજીકના ગામના હજારો ગ્રામજનો આ પરિયોજનાનો વિરોધ પ્રદર્શન કરવાની તૈયારીમાં છે. 182 મીટર ઉંચી સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 31 ઓક્ટોબરે કરશે.નર્મદા જિલ્લાના કેવડિયામાં સ્થાનિક આદિવાસી સંગઠનોએ કહ્યું કે ‘સ્ટેચ્યુ ઑફ યુનિટી’ પરિયોજનાથી પ્રભાવિત લગભગ 75,000 આદિવાસી પ્રતિમાના અનાવરણ અને વડાપ્રધાનનો વિરોધ કરશે. આદિવાસી નેતા ડોકટર પ્રફુલ વસાવાએ કહ્યું, તે દિવસે અમે શોક મનાવીશું અને 72 ગામમાં કોઈ પણ ઘરમાં જમવાનું બનાવવામાં આવશે નહીં. આ પરિયોજના અમારા વિનાશ માટે છે.

આદિવાસી સમાજના રિવાજ મુજબ, ઘરમાં કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ થવાથી શોક રૂપે અમે ઘરમાં જમવાનું બનાવતા નથી. તેમણે કહ્યું, “આદિવાસીઓના અધિકારોનું હનન થઈ રહ્યું છે. આપણા ગુજરાતના મહાન સપૂત સરદાર પટેલ સાથે કોઈ વિરોધ નથી અને તેમનું સન્માન કરવુ જોઈએ. અમે તેમના વિરુદ્ધ નથી, પરંતુ સરકારનો વિકાસનો વિચાર એકબાજુ અને આદિવાસીઓ વિરુદ્ધ છે.” આદિવાસી સમાજ ફરિયાદ કરી રહ્યો છે કે તેમની જમીનો ‘સરદાર સરોવર નર્મદા પરિયોજના’ તેની નજીક સ્થિત ‘સ્ટેચ્યુ ઑફ યુનિટી’ તથા તેની સાથે-સાથે વિસ્તારમાં પ્રસ્તાવિત અન્ય પર્યટન ગતિવિધિઓ માટે લેવામાં આવી છે.

વસાવા મુજબ, ‘અસહયોગ આંદોલનને’ પ્રદેશના લગભગ 100 નાના-મોટા આદિવાસી સંગઠન સમર્થન આપી રહ્યાં છે. વિરોધ પ્રદર્શનમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠાથી દક્ષિણ ગુજરાતના ડાંગ જિલ્લા સુધી લગભગ નવ આદિવાસી જિલ્લા આંદોલનમાં ભાગ લેશે. તેમણે કહ્યું, “31 ઓક્ટોબરે ‘બંધ’ ફક્ત શાળા, કાર્યાલયો અથવા વ્યવસાયિક સંસ્થાઓ સુધી મર્યાદિત રહેશે નહીં. પરંતુ ઘરમાં જમવાનું ન બનાવીને વિરોધ વ્યક્ત કરાશે.” નર્મદા નદીની પાસે સાધુ બેટ દ્વિપ પર સતત લગભગ 3400 મજૂર અને 2500 એન્જિનિયર સ્ટેચ્યૂ ઑફ યૂનિટીને અંતિમ રૂપ આપી રહ્યાં છે. નર્મદા બંધના નિચેના વિસ્તારમાં આ વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા છે, જેની પાછળ લગભગ 2389 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.