શિક્ષણને લાગ્યો મોંઘવારીનો માર, જાણો કેટલી વધી ફી

ગુજરાતમાં થોડા સમય પહેલા અમદાવાદ સહિતના ચારેય ઝોનની નવી ફી કમિટીઓની રચના કરી છે. આપને જણાવી દઈએ કે નવા શક્ષિક સત્રની શરૂઆત બાદ પણ અમદાવાદની લગભગ 150થી વધુ શાળામાં નવા ફ્રી નક્કી કરવાની બાકી હતી. ત્યારે અમદાવાદ ઝોનની કમિટી દ્વારા શહેરની બાકી રહેલી 150થી વધુ સ્કૂલોમાંથી કેટલીક સ્કૂલોની નવી ફી નક્કી કરી દેવામા આવી છે. જેમાં દરખાસ્ત કરનારી સ્કૂલોની ફીમાં 5થી 7 ટકાનો વધારો કરવામા આવ્યો છે.

ચાર ઝોન માટે નવી ફી કમિટીઓની રચના બાદ તેઓ એ અમદાવાદની 150 શાળા માટે નવી ફીની જાહેરાત કરી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર નવી ફી વધારાની જાહેરાત બાદ એપોલો ઈન્ટરનેશનલ સ્કૂલની ફી 99 હજાર રૂપિયા હતી. જે હવે 1.04 લાખ રૂપિયા થઈ છે. ગ્લોબલ ઈન્ડિયન સ્કૂલની ફી 91 હજાર રૂપિયા હતી તે 95 હજાર રૂપિયા થઈ છે, અને આનંદનિકેતન સ્કૂલની ફી 83 હજાર રૂપિયા હતી જે વધીને 91 હજાર રૂપિયા થઈ છે. આ ઉપરાંત ડીપીએસ બોપલ સ્કૂલની ફી 80 હજાર રૂપિયા હતી જે વધીને 84 હજાર રૂપિયા થઈ છે. એસ.એચ.ખારાવા સ્કૂલની ફી 32 હજાર રૂપિયા હતી જે 35 હજાર રૂપિયા થઈ છે. શિવ આશિષ સ્કૂલની ફી 57,500 રૂપિયા હતી. જે વધીને 61 હજાર રૂપિયા થઈ છે. કે.એન પટેલ સ્કૂલની ફી 77 હજારથી વધીને 81 હજાર રૂપિયા અને સંત કબીર સ્કૂલની ફી 95,400થી વધીને 97,900 રૂપિયા થઈ છે. એચ.બી.કાપડીયા સ્કૂલની ફી 57 હજાર રૂપિયા હતી તે વધીને 60 હજાર રૂપિયા કરવામા આવી છે.

નોંધનીય છે કે, નવી ફી કમિટીની રચના બાદ તત્કાલના ધોરણે ફી વધારા પર કમિટીએ નિર્ણય કર્યો છે. આ ઉપરાંત અદમદાવાદની કેટલીક સ્કૂલોની ફી 5થી 7 ટકા અને કેટલીક સ્કૂલોની ફી 10 ટકા સુધી વધી છે. એકંદરે 3 હજારથી લઈને 12 હજાર રૂપિયા સુધીનો ફી વધારો થયો છે. કેટલીક સ્કૂલોએ ફી કમિટીનો ફીનો ઓર્ડર થાય તે પહેલા જ અને નવી ફી કમિટી રચાય તે પહેલા જ નવા શૈક્ષણિક વર્ષથી ફી વધારો લેવાનો શરૂ કરી દીધો છે. આ મુદ્દે અમદાવાદ શહેર ડીઈઓમાં વાલીઓએ ફરિયાદ પણ કરી હતી.