19 ચીજવસ્તુઓમાં ઇ-વે બિલ 1 ફેબ્રુઆરીથી ફરજિયાત

  • શહેર કે ગામના એક વિસ્તારમાંથી અન્ય વિસ્તારમાં કોઇપણ માલની હેરફેર માટે ઇ-વે બિલ જરૂરી નથી
  • કરમુક્ત ચીજવસ્તુઓ સિવાયની રૂ.૫૦,૦૦૦/- થી વધારે કિંમતના માલની હેરફેર માટે ઇ-વે બિલ મેળવવાનું રહેશે
  • પેટ્રોલીયમ પેદાશો, એવિએશન ફ્યુઅલ, માનવ સેવન માટેના આલ્કોહોલીક લીકર જેવી કોમોડીટી માટે વેટ હેઠળ ફોર્મ જનરેટ કરવાના રહેશે
  • જીએસટી એક્ટ હેઠળ ઇનવોઇસ, બિલ ઓફ સપ્લાય અને ડિલિવરી ચલણ સાથે રાખવાનું રહેશે

સમગ્ર દેશમાં ૧ લી ફેબ્રુઆરી, ૨૦૧૮થી આંતરરાજ્ય માલની હેરફેર માટે ઇ-વે બિલ ફરજિયાત કરાયું છે, જેનો ગુજરાતમાં પણ અમલ કરાશે. એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં મોકલવા માટે જીએસટીના નિયમોમાં કરાયેલ જોગવાઇ મુજબ કરમુક્ત ચીજવસ્તુઓ સિવાયની તમામ ચીજવસ્તુઓ કે જે રૂ.૫૦,૦૦૦/- થી વધારે કિંમતની હોય તે માટે ઇ-વે બિલ મેળવવાનું રહેશે. પરંતુ, શહેર કે ગામની અંદરના વિસ્તારોમાં થતી કોઇપણ માલની હેરફેર માટે ઇ-વે બિલની જરૂરીયાત રહેશે નહીં.

આ વ્યવસ્થાના ચેકીંગ માટે પ્રાયોગિક ધોરણે વિવિધ સ્થળોએ સ્ક્વોડ દ્વારા ચકાસણી કરવા પણ વ્યવસ્થા ગોઠવાઇ છે. જે નાના વ્યાપારીઓ પાસે જીએસટી નંબર ન હોય અને માલનું હેરફેર કે વેચાણ કરવા ઇચ્છતા હોય ત્યારે માલ ખરીદનાર વેપારીએ ઇ-વે બિલ જનરેટ કરવાનું રહેશે.

વેટમાં સમાવેશ થતી પેટ્રોલીયમ પેદાશો જેવી કે, પેટ્રોલીયમ ક્રુડ, હાઈસ્પીડ ડીઝલ, મોટર સ્પીરીટ(પેટ્રોલ), નેચરલ ગેસ, એવીએશન ટર્બાઇન ફ્યુઅલ, આલ્કોહોલીક લીકર (માનવ સેવન માટે) આ તમામ કોમોડીટી માટે VAT કાયદા હેઠળ ફોર્મ-૪૦૨ / ૪૦૩ / ૪૦૫ જનરેટ કરવાનાં રહેશે. રાજ્યમાં આંતરિક માલની હેરફેર કે વેચાણ માટે ૧૯ જેટલી ચીજવસ્તુઓ માટે ઇ-વે બીલ જરૂરી છે. તેમાં (૧) તમામ પ્રકારના ખાદ્ય તેલો (ર) તમામ પ્રકારના કરપાત્ર તેલીબીયાં (૩) તમામ પ્રકારના ખોળ (૪) લોખંડ અને પોલાદ (૫) ફેરસ નોન ફેરસ મેટલ અને તેના સ્ક્રેપ (૬) સીરામીક ટાઇલ્સ (૭) બ્રાસ પાર્ટસ અને બ્રાસ આઇટમો (૮) પ્રોસેસ થયેલ તમાકુ તથા તેની બનાવટ (૯) સિગારેટ, ગુટકા તથા પાન મસાલા (૧૦) તમામ પ્રકારના યાર્ન (૧૧) તમામ પ્રકારના પ્લાયવુડ, બ્લોક બોર્ડ ડેકોરેટીવ અને લેમીનેટેડ શીટ (૧૨) તમામ સ્વરૂપમાં કોક સહિતનો કોલસો (૧૩) લાકડુ (ટીમ્બર) તથા લાકડાની ચીજો (૧૪) સિમેન્ટ (૧૫) મારબલ અને ગ્રેનાઇટ (૧૬) કોટાસ્ટોન (૧૭) નેપ્થા (૧૮) લાઇટ ડીઝલ ઓઇલ (L.D.O.) (૧૯) ચા (પત્તી અથવા પાવડર સ્વરૂપમાં) જેવી વસ્તુઓ ઉપર ઇ-વે બિલ મેળવવાનું રહેશે. બાકીની કોમોડિટીને તબક્કાવાર આવરી લેવામાં આવશે.

તમામ નોંધાયેલ વેપારી અને ટ્રાન્સપોર્ટરો તેમજ અન્ય લોકો કે જેણે ઇ-બે બિલ લેવું જરુરી છે તેમણે સૌ પ્રથમ www.ewaybill.nic.in સાઇટ પર જઇને પ્રથમ એક વાર રજીસ્ટ્રેશન કરાવ્યા પછી લેપટોપ અને કોમ્પ્યુટર દ્વારા જ્યારે જરૂર પડે ત્યારે ઇ-વે બિલ જનરેટ કરી શકે છે. આ ઉપરાંત, મોબાઇલ ફોન મારફતે SMS સુવિધાથી, મોબાઇલ ફોનની એન્ડ્રોઇડ એપ્સની સુવિધાથી અને  API(Application Programme Interface)ની સુવિધાથી સર્વરને લિંક કરવાથી પણ ઇ-વે બિલ જનરેટ કરવાની સુવિધાઓ વેબસાઇટ ઉપર આપવામાં આવેલ છે.

બીજી જે વધારાની સુવિધાઓ આપવામાં આવેલ છે જેમાં બલ્ક ઇ-વે બિલ જનરેટ કરવાની સુવિધા, વાહન બદલાના સંજોગો આવે ત્યારે ઇ-વે બિલમાં વાહન નંબર અપડેટ કરવાની સુવિધા, ઇ-વે બિલના પોર્ટલમાં જુદાજુદા રિપોર્ટસ મેળવવાની સુવિધા, કોન્સલિડેટેડ ઇ-વે બિલ જનરેટ કરવાની સુવિધા, માસ્ટર યુઝર્સ દ્વારા સબ યુઝર્સ બનાવવાની સરળ પ્રક્રિયા, રજિસ્ટર મોબાઇલ નંબર ઉપર એલર્ટની જોગવાઇ, સપ્લાયર, કસ્ટમર, ટ્રાન્સપોર્ટર અને પ્રોડક્ટસનો માસ્ટર ડેટા તૈયાર થાય વિગેરે સગવડો આપવામાં આવેલ છે. માલની હેરફેર સમયે ઇ-વે બિલની હાર્ડકોપી રાખવાના બદલે ફકત ઇ-વે બિલના નંબર મોબાઇલ નંબર કે અન્ય રીતે રાખીને માલ વહન કરવા જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે. આ ઉપરાંત ગુજરાત ગુડઝ એન્ડ સર્વિસ ટેક્ષ એક્ટ-૨૦૧૭ના નિયમોના નિયમ-૧૩૮(એ) ની જોગવાઇ અનુસાર ઇનવોઇસ /  બિલ ઓફ સપ્લાય / ડિલિવરી ચલણ સાથે રાખવાનું રહેશે.