શ્રી શ્રી રવિશંકરની ઉપસ્થિતિમાં સાયન્સ સિટી, અમદાવાદ ખાતે યોજાયો ‘ડ્રગ્સ ફ્રી ઇન્ડિયા’ કાર્યક્રમ

અમદાવાદઃ એક સર્વે મુજબ ભારતમાં આજે 75% પરિવારોમાં, ઓછામાં ઓછો એક સભ્ય તો એવો છે જ કે જે કોઈને કોઈ નશાકીય વ્યસનથી ગ્રસિત છે. નશાખોરીને કારણે, ભારતમાં પ્રતિદિન 10 વ્યક્તિ આત્મહત્યા કરે છે. ભારતનાં યુવાધન અને પારિવારિક જીવનનું ભવિષ્ય કેટલી હદે અસુરક્ષિત છે તે અંગે આ આંકડા એક વિસ્ફોટક સત્ય રજૂ કરે છે. પારિવારિક જીવન, પારસ્પરિક સંબંધો, પારિવારિક સુખ-શાંતિ અને પ્રગતિ – સમાજ નિર્માણના મૂળભૂત પાયા છે, જેને નશાખોરીની ઉધઈ ઊંડું નુકશાન પહોંચાડી રહી છે. આ સમસ્યાનું તાત્કાલિક નિવારણ કરવું અનિવાર્ય છે. આ દિશામાં, ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીની પ્રેરણાથી, આર્ટ ઓફ લિવિંગ સંસ્થા દ્વારા, 2019માં ‘ડ્રગ્સ-ફ્રી ઇન્ડિયા’ કૅમ્પેઇનનો આરંભ કરવામાં આવ્યો હતો.

આર્ટ ઓફ લિવિંગ, ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સીટી, G20 સમિટના સંયુક્ત ઉપક્રમે “આઝાદી કા અમૃત મહોત્સવ” યોજનાના ભાગરૂપે ‘ડ્રગ્સ ફ્રી ઇન્ડિયા’ કાર્યક્રમનું આયોજન આજે સાયન્સ સિટી, અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું. ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીએ કહ્યું, ‘જ્યારે સ્ટ્રેસની માત્રા ખૂબ વધી જાય છે, ત્યારે આ અત્યાધિક સ્ટ્રેસથી મુક્ત થવા વ્યક્તિ નશાકીય પ્રવૃત્તિ તરફ વળે છે. પરંતુ જ્યારે તેમને યોગ, પ્રાણાયામ અને ધ્યાનનાં માધ્યમ દ્વારા સ્ટ્રેસ દૂર કરવાનું શિક્ષણ પ્રાપ્ત થાય છે ત્યારે જીવન પ્રત્યેનો તેમનો અભિગમ બદલાઈ જાય છે.’

આ કાર્યક્રમમાં કેબિનેટ મિનિસ્ટર-ઇન્ડસ્ટ્રી, સિવિલ એવિએશન, રૂરલ ડેવલપમેંટ બળવંત રાજપૂત, રાજ્યના ગૃહમંત્રી હર્ષ  સંઘવી, અંદાજિત 5000થી પણ વધુ યુવા-છાત્ર નેતાઓ, જીટીયુના કુલપતિ સહિત રાજ્યની યુનિવર્સીટીઓના વાઇસ ચાન્સેલર્સ, બોલીવુડ અભિનેતા મનોજ જોશી, ગુજરાતના અગ્રણી અને નામાંકિત વિવિધ ક્ષેત્રોના કલાકારો – સાઈરામ દવે, ઓસમાન મીર, કિર્તીદાન ગઢવી, ગીતાબેન રબારી, કિંજલ દવે, જીગરદાન ગઢવી, હિતુ કનોડિયા, મલ્હાર ઠાકર ઉપસ્થિત રહ્યાં હતાં.

બોલીવુડ અભિનેતા સંજય દત્તે વિડિયો મેસેજમાં જણાવ્યું કે “ડ્રગ્સને ના કહો. તમારો મિત્ર આવીને કહે તો પણ દ્રઢતાપૂર્વક ના કહો. દોસ્ત કહેશે કે બધા લે છે, તું પણ લે, તેને સ્પષ્ટ ના કહો. તે કહેશે એક વારમાં શું થાય – તેને સ્પષ્ટ ના કહો. હું જાણું છું કે એકવારમાં જ આદત લાગે છે.’

મનોજ જોશીએ જણાવ્યું કે, આજે ભારત પાસે સૌથી વધુ માત્રામાં યુવા ધન છે. અને એટલે જ તેને નિર્બળ બનાવવા આ દૂષણ વધુ ને વધુ ફેલાવાઈ રહ્યું છે. તેમણે વિદ્યાર્થીઓને મંત્ર આપ્યો કે – “ચલો, ભારત કો વિકસિત બનાયે, નશે કો પૂરે દેશ સે ભગાયે!”

બળવંત રાજપૂતે આર્ટ ઓફ લિવિંગની સેવાઓને બિરદાવી હતી તથા સંસ્થાએ ગુજરાત સરકારને પણ અનુદાન આપ્યું છે તે માટે આભાર વ્યક્ત કર્યો હતો. એમણે કહ્યું કે ગુજરાત સરકારે છેલ્લા એક વર્ષની અંદર ૩૨ હજાર કરોડથી વધારે કિંમતનું ડ્રગ્સ કબજે કર્યું છે.

રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે દરિયાઈ માર્ગે થતી ડ્રગ્સની તસ્કરીને રોકીને, દોઢ વર્ષમાં ૫૩૦૦ કરોડનું ડ્રગ્સ સરકારે પકડીને યુવાનોની જિંદગી ધૂળ-ધાણી થતી અટકાવી છે. ગત વર્ષમાં ગુજરાત સરકારે ૮૦૦ જેટલા વિદ્યાર્થીઓને ડ્રગ્સ લેતા પકડ્યા છે, પરંતુ પોલીસને હવાલે કરવાને બદલે, તેમનાં માતા-પિતા સાથે બેસીને આ સમસ્યાનું નિરાકરણ કર્યું છે.

પૂજ્ય ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીએ ઉપસ્થિત બધા વિદ્યાર્થીઓને શપથ લેવડાવ્યા કે “નશા ના કરેંગે, ના કરને દેંગે.”