અમદાવાદ- વિશ્વ હિન્દુ પરિષદ અગ્રણી ડૉ.પ્રવીણ તોગડીયાના બિનજામીનપાત્ર વોરંટ મેટ્રો કોર્ટે રદ કર્યું છે. તોગડીયાને 1996ના સાલના ભાજપ નેતા આત્મારામ પરમારના ધોતિયું ખેંચવાને માર મારવાની ઘટનામાં બિનજામીનપાત્ર વોરંટ ઇશ્યૂ થયું હતું જેને લઇને તેઓ ઘીકાંટા કોર્ટમાં ઉપસ્થિત રહ્યાં હતાં.કોર્ટે પ્રવીણ તોગડીયા, જિતેન્દ્રસિંહ વાઘેલા, કૃષ્ણવદન બ્રહ્મભટ્ટ, અરવિંદ પટેલ, નીલેશ વાઘેલાની અરજી ગ્રાહ્ય રાખી, 30 જાન્યુઆરી સુધીના જામીન મંજૂર કર્યા હતાં.આ કેસમાં તોગડીયા સહિત 39 લોકો સામે હત્યાની કોશિશનો ગુનો દાખલ થયો હતો. તાજેતરમાં રાજ્ય સરકારે સરકારી વકીલને પત્ર મોકલી કેસ પરત ખેંચવા જણાવ્યું હતું. આ પત્રને કોર્ટે નામંજૂર કરતાં સેશન્સ કોર્ટમાં રીવીઝન અજી કરવામાં આવી હતી. સેશન્સમાં સુનાવણી બાદ કેસ મેટ્રો કોર્ટમાં ચલાવવા પરત મેકલવામાં આવ્યો હતો.જેમાં મેટ્રો જજે ડૉ. પ્રવીણ તોગડીયા સહિત 39 આરોપીઓ સામે બિનજામીનપાત્ર વોરંટ ઇશ્યૂ કરી કોર્ટમાં હાજર રહેવા જણાવ્યું હતું. આ કેસમાં હાજર રહી તોગડીયાએ કોર્ટ સમક્ષ જણાવ્યું હતું કેે અમદાવાદમાં હોવા છતાં તેમને કોઇ સમન્સ મળ્યું નથી અને તેમને ફસાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આ કેસમાં જ્યારે અને જ્યાં જરુર હશે ત્યાં હાજર રહેવા તૈયાર છું. તેમની રજૂઆતને લઇ મેટ્રો કોર્ટ દ્વારા તેમના બિનજામીનપાત્ર વોરંટને રદ કરવામાં આવ્યું હતું.
કેસનો ભૂતકાળ જોઇએ તો1996માં ખજૂરાહોકાંડ વખતે અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમમાં ભાજપના વરિષ્ઠ નેતા આત્મારામ પરમારનું ધોતિયું ખેંચીને માર મારવામાં આવ્યો હતો. આ ઘટનામાં ડૉ. પ્રવીણ તોગડીયા, ધારાસભ્ય બાબુ જમના પટેલ, બિલ્ડર ઇલેશ પટેલ સહિત 39 લોકો સામે કેસ દાખલ કરવામાં આવ્યો હતો.