ડોક્ટરે ખરીદી બેગ, ફ્રી ગિફ્ટના ચક્કરમાં લાગ્યો 2.62 લાખનો ચૂનો

અમદાવાદઃ અમદાવાદના એક સીનિયર ડોકટર સાથે સાઈબર ફ્રોડ થયું હોવાનો મામલો સામે આવ્યો છે. જોધપુરમાં રહેતાં ડોક્ટર તેજસ પટેલ શહેરની એક પ્રાઈવેટ હોસ્પિટલમાં છેલ્લા 14 વર્ષથી કાર્યરત છે. તેમણે થોડા મહિના પહેલા એક ઓનલાઈન વેબસાઈટથી 399 રુપિયાની લોન્ડ્રી બેગ મંગાવી હતી. તેમને કંપનીના કસ્ટમર કેરમાંથી ફોન આવ્યો કે તેમનુ નામ લકી ડ્રોમાં આવ્યું છે અને ઓર્ડર સાથે તેમને એક મોંધી ગિફ્ટ મળશે જેવી કે એલઈડી ટીવી, લેપટોપ અથવા આઈફોન મોકલવામાં આવશે.

ગત વર્ષે સપ્ટેમ્બર મહીનામાં તેમને આના માટે ફોન આવ્યો હતો. પોલીસને આપવામાં આવેલી પોતાની ફરિયાદમાં પટેલે જણાવ્યું કે મેં મારા ક્રેડિટ કાર્ડ દ્વારા પેમેન્ટ કરીને લોન્ડ્રી બેગ મંગાવી હતી.

સાઈબર સેલના ડીસીપી રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું કે, ચાર દિવસ બાદ ડોક્ટર તેજસ પટેલ પાસે ફોન આવ્યો કે તેમની ગીફ્ટ મોકલી દેવામાં આવી છે, પરંતુ તેના પર લાગનારો જીએસટી તેજસ પટેલે જ આપવો પડશે, જે 5580 રુપિયા છે. ડોક્ટરે આ રકમ પર પોતાના ક્રેડિટ કાર્ડથી આપી દીધી.

ત્યાર બાદ સતત ફોન આવતા રહ્યા. બદમાશોએ ડોક્ટર પાસેથી ધીરે-ધીરે કરીને 2 લાખ 62 હજાર રુપિયા પડાવી લીધા. જ્યારે તેજસ પટેલને પોતાની સાથે ફ્રોડ થયાનો ખ્યાલ આવ્યો કે તુરંત જ તેમણે પોતાના વકીલ સાથે વાત કરી. ડીસીપીએ જણાવ્યું કે, વકીલે ક્લાસિક એન્ટરપ્રાઈઝને એક નોટિસ મોકલી કે જેનો કોઈ જવાબ તેમને ન આપવામાં આવ્યો. હવે ડોક્ટરે પોલીસ ફરિયાદ કરી છે અને આ મામલે પોલીસ તપાસ કરી રહી છે.