મહેસાણાઃ ગણપત યુનિવર્સિટી ગુજરાતના મહેસાણામાં આવેલી એક શૈક્ષણિક સંસ્થા છે, જેનું સંચાલન મહેસાણા જિલ્લા શિક્ષણ સંગઠન દ્વારા કરવામાં આવે છે. યુનિવર્સિટી દ્વારા હાલમાં જ આસપાસનાં 10 ગામડાંઓમાં ઘરમાં જ ક્વોરોન્ટિન થયેલા કોરોના પોઝિટિવ દર્દીઓને 500 કરતાં વધુ કોવિડ-19 કેર કિટનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.
યુનિવર્સિટીએ જે કોવિડ-19 કેર કિટનું વિતરણ કર્યું એ કિટમાં નાસ લેવાનું મશીન, કપૂર, સૂંઠની ગોળીઓ, હોમિયોપથી દવાઓ, માસ્ક, ઇમ્યુનિટીવર્ધક ખાખરાઓ, આયુર્વેદિક ઉકાળા, સેનેટાઇઝર, આમળાનો રસ અને સંશમની વટીનો સમાવેશ થાય છે.
આ પહેલાં પણ ગણપત યુનિવર્સિટી દ્વારા આસપાસનાં ગામડાઓમાં મોટા પાયે સેનિટાઇઝેશન, ઉકાળા, ઔષધ અને માસ્ક વિતરણનાં સેવા કાર્યોનું આયોજન કરવામાં આવ્યું હતું.ગણપત યુનિવર્સિટી દ્વારા 500 જેટલી કિટ્સનું આશરે 10 ગામોમાં વિતરણ પહેલા તબક્કામાં કરવામાં આવ્યું છે. યુનિવર્સિટી દ્વારા ઓક્સિજન કિટ પણ વિનામૂલ્યે જ પૂરી પાડવામાં આવશે. જો કોઈ વ્યક્તિ કે સંસ્થા યુનિવર્સિટીના સેવાકાર્યમાં જોડાવા ઇચ્છતી હોય તો તેણે યુનિવર્સિટીનો સંપર્ક કરવો. યુનિવર્સિટીનો હેતુ વધુ ને વધુ દર્દીઓને રાહત પહોંચાડી શકાય- એનો છે.
