મહેસાણા: ગુજરાતની સૌથી મોટી ગણાતી APMC એટલે ઊંઝા APMC. જેના માટે વિવિધ બેઠકોને લઈ ચૂંટણી હાથ ધરવામાં આવી હતી. મતદાન શાંતિપૂર્ણ રીતે યોજાયું હતું. લોકો APMCની ચૂંટણીના પરિણામની રાજ જોઈને બેઠા હતાં જેનો અંત આવી ગયો છે. APMCમાં ખેડૂત વિભાગની 10 જ્યારે વેપારી વિભાગની 4 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી. જેનું પરિણામ આવી ગયું છે.
ઊંઝા APMCમાં પૂર્વ ચેરમેન દિનેશ પટેલનો દબદબો યથાવત રહ્યો છે. ખેડૂત વિભાગમાં દિનેશ પટેલની પેનલની જીત થઇ છે. ઢોલ નગારા સાથે ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી રહી છે. ટેકેદારોએ જણાવ્યું હતું કે, દિનેશ પટેલનો વહીવટ સારો છે. પારદર્શક વહીવટનાં કારણે સાથ આપ્યો છે. આ જીત ખેડૂતોની જીત છે. જ્યારે બીજી ઉમેદવારોની યાદી પર નજર કરીએ તો, ભાજપ દ્વારા મેન્ડેડ ઉમેદવારોની યાદીમાં અંબાલાલ પટેલ, કનુભાઈ પટેલ, ધીરેન્દ્ર કુમાર પટેલ, પ્રહ્લાદભાઈ પટેલ, ભગવાનભાઈ પટેલનો સમાવેશ થાય છે. જ્યારે અપક્ષે પક્ષમાંથી બળદેવભાઈ પટેલ, રાજેન્દ્રકુમાર પટેલ, લીલાભાઈ પટેલ, શૈલેષભાઈ પટેલ, જયંતીભાઈ પટેલનો સમાવેશ થાય છે.
નોંધનીય છે કે, ઊંઝા એપીએમસી ચૂંટણીમાં આજે 10 રાઉન્ડમાં મત ગણતરી કરાઈ હતી. જોકે, ગણતરીની શરુઆતથી જ પૂર્વ ચેરમેન દિનેશ પટેલની પેનલ આગળ હતી. જોકે, ભાજપે મેન્ડેટ આપેલાં જે પાંચ ઉમેદવારોને દિનેશ પટેલનું સમર્થન નહતું તેમની કારમી હાર થઈ છે. આ પરિણામો પરથી સાબિત થાય છે કે, ખેડૂત વિભાગની પેનલમાં દિનેશ પટેલનો દબદબો કાયમ રહ્યો છે. ખેડૂત વિભાગનું પરિણામ સામે આવ્યા બાદ દિનેશ પટેલની પેનલના ઉમેદવારો અને સમર્થકોએ ફટાકડા ફોડીને જીતની ઉજવણી કરી હતી. એપીએમસીની ચૂંટણીના પરિણામ આવ્યા બાદ જાણે દિવાળી જેવો માહોલ બની ગયો હતો.