સામૂહિક આપઘાત-કેસમાં સોની-પરિવારના વધુ એક સભ્યનું મોત

વડોદરાઃ રાજ્યમાં ચર્ચાસ્પદ બનેલા વડોદરાના સોની પરિવારના સામૂહિક આપઘાત કેસમાં આજે વધુ એકનું મોત થતાં કુલ ચાર લોકોનાં મોત થયાં છે. આ કેસમાં રોજેરોજ એક પછી એક નવી વાત ખૂલી રહ્યા છે. આ પરિવાર જ્યોતિષીઓની વાતમાં આવીને ભયાનક નાણાભીડમાં મુકાઈ ગયો હતો. આ પરિવાર કઈ રીતે ગુપ્ત ધનની લાલચમાં એક પછી એક જ્યોતિષીઓની વાતોમાં આવતો ગયો અને નાણાની તંગીમાં આવી ગયો હતો.

સ્વાતિ સોસાયટીમાં રહેતા સોની પરિવારના સામૂહિક આપઘાત કેસમાં સયાજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃતક નરેન્દ્રભાઇ સોનીનાં પત્ની દીપ્તિબહેન સોનીનું મૃત્યુ થયું છે. સોની પરિવારના સામૂહિક આપઘાતના કેસમાં મૃતક નરેન્દ્ર સોનીનાં પત્ની દીપ્તિબહેન સોનીનું મોત થયું છે. પરિવારના છ સભ્યો પૈકી ત્રણનાં મોત થયાં હતાં. પુત્ર ભાવિન સોની, પત્ની દીપ્તિબહેન સોની અને પુત્રવધૂ ઊર્વશી સારવાર હેઠળ હતાં. દીપ્તિબહેન સોની ઘણા દિવસોથી વેન્ટિલેટર પર હતા. સામૂહિક આપઘાતના પ્રયાસના મામલામાં ચોથું મોત થયું છે.

જ્યોતિષીઓની જાળમાં

થોડા સમય પહેલાં નરેન્દ્રભાઈ પ્લાસ્ટિકનો નાનો-મોટો ધંધો કરતા હતા,પણ નરેન્દ્રભાઈની દુકાન ત્રણ વર્ષ પહેલાં બંધ થઈ ગઈ હતી. પરિવાર પાસે આવકનું કોઈ સાધન નહોતું રહ્યું. આ સંજોગોમાં તેઓ વ્યાજે રૂપિયા લાવવાના ચક્કરમાં ફસાયા હતા અને દેવું થયું હતું. તેમણે ઘર વેચવા જાહેરખબર પણ આપી હતી, જે જોઈને એક જ્યોતિષ તેમના ઘરે આવ્યો હતો અને ત્યારથી જ આ સમગ્ર ખેલ શરૂ થયો હતો. જ્યોતિષીઓને રૂપિયા આપવા માટે નરેન્દ્રભાઈએ ઘર ગિરવે મૂકીને 15 લાખ રૂપિયા લોન લઈ લીધી હતી. આ જ્યોતિષીઓ સતત રુપિયા માગતા જ જતા હતા. જેથી પોતે છેતરાયા હોવાનો સોની પરિવારને અહેસાસ થઈ ગયો હતો. ત્યારબાદ તેમણે આ મકાન 23.5 લાખમાં અશોક મિસ્ત્રી અને સંજય મિસ્ત્રીને વેચી દેવાનો સોદો કરી દીધો હતો પણ તેઓ તેના દસ્તાવેજ નહોતા કરાવી શક્યા. જેથી અશોક મિસ્ત્રી અને સંજય મિસ્ત્રીએ પોતે આપેલા નાણાંની ઉઘરાણી ચાલુ કરી હતી.