ભાવનગરઃ તૌકતે ચક્રવાત કેરળ, ગોવા, મહારાષ્ટ્રના સમુદ્રકાંઠા પરથી પસાર થઈને 18 મેએ ગુજરાતમાં ભાવનગર અને પોરબંદર જિલ્લા વચ્ચેના સમુદ્રકાંઠ પર ત્રાટકશે એવી હવામાન વિભાગની આગાહીને પગલે ગુજરાત સરકારે રાજ્યમાં આગામી બે દિવસ – 17 અને 18મેના રોજ, કોરોના-પ્રતિરોધક રસી આપવાની કામગીરીને બંધ રાખવાનો નિર્ણય લીધો છે. રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ આ જાહેરાત કરી છે.
વાવાઝોડાની ગંભીરતાને ધ્યાનમાં લઈને સૌરાષ્ટ્રના સાગરકાંઠે રહેતા લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. તે ઉપરાંત બચાવ કામગીરી માટે NDRF ની 24 ટુકડીઓને તહેનાત કરી દેવામાં આવી છે. 85 એમ્બ્યુલન્સને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં વાવાઝોડા વખતે પવન ૧૫૦ કિલોમીટરની ઝડપે ફૂંકાય એવી શક્યતા છે. રાજ્યની ૧૩૦૦ હોસ્પિટલમાં ડિજિ-સેટ વસાવવા આદેશ આપવામાં આવ્યો છે. દરેક સામાજિક સંસ્થાઓને સેવા માટે આગળ આવવા અપીલ કરવામાં આવી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સતત ગુજરાત સરકાર સાથે સંપર્કમાં છે. કેન્દ્રના રસાયણ ખાતાના પ્રધાન મનસુખ માંડવીયાએ પશ્ચિમ કાંઠાના રાજ્યોના તમામ બંદરો અને મેરીટાઈમ બોર્ડની સજ્જતાની સમીક્ષા કરી છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે મહારાષ્ટ્ર અને ગુજરાતના મુખ્ય પ્રધાનો તથા દીવ-દમણના પ્રશાસક સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ‘તૌક્તે’ વાવાઝોડાના સંદર્ભમાં ચર્ચા કરી પૂર્વતૈયારીની સમીક્ષા કરી હતી.