ગુજરાતમાં ‘અસના’ વાવાઝોડાની અસર યથાવત્

રાજ્યમાં વરસાદી આફત વચ્ચે વાવાઝોડાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી. ત્યારે આ ડીપ ડિપ્રેશન હાલમાં કચ્છના ભુજ નજીક યથાવત્ જોવા મળી રહ્યું છે. તે આગળ વધતાં અરબ સાગરમાં સમાઈ જશે પરંતુ, આ ડીપ ડિપ્રેશન સાયક્લોનિક સ્ટોર્મ એટલે કે વાવાઝોડાના સ્વરૂપે દરિયામાં પ્રવેશ કરશે. તે પશ્ચિમ અને દક્ષિણ-પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહ્યું હોવાથી અરબ સાગરમાં જ સમાઈ જશે. જોકે, આ વાવાઝોડાનું આયુષ્ય ખૂબ જ ઓછું હશે અને તેની સક્રિયતા પણ ઓછી હશે એટલે કે ડીપ ડિપ્રેશન નબળા વાવાઝોડા સ્વરૂપે દરિયામાં પ્રવેશ કરશે, જેને કારણે ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં તેની અસર થશે નહીં.

રાજ્યના તમામ જિલ્લાઓ તથા સૌરાષ્ટ્ર કચ્છના પણ મોટાભાગના જિલ્લાઓમાં તેની અસર નહીંવત્ પ્રમાણમાં રહેશે. ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં આજના વાવાઝોડાની અસર રહેશે નહીં પરંતુ, સૌરાષ્ટ્ર-કચ્છમાં થોડા અંશે અસના વાવાઝોડાને કારણે ભારે પવન ફૂંકાવવાની સાથે વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્ર અને કચ્છ પરનું ડીપ ડિપ્રેશન છેલ્લા છ કલાક દરમિયાન લગભગ ત્રણ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ધીમે-ધીમે પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે ત્યારે રાજકોટને બાદ કરતાં ગુજરાત રાજ્યનાં ત્રણ મહાનગરોમાં એટલે કે અમદાવાદ, વડોદરા અને સુરતમાં અસના વાવાઝોડાની અસર રહેશે નહીં. રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં અસના વાવાઝોડાને કારણે ભારે પવન ફૂંકાવવાની સાથે હળવા વરસાદ વરસી શકે છે. ઉલ્લેખનીય છે કે આવું વાવાઝોડું પાછલા 80 વર્ષમાં ચોથી વખત જોવા મળ્યું છે. જેમાં જમીન પર સક્રિય હવામાન પ્રણાલી સમુદ્ર સુધી પહોંચ્યા પછી ચક્રવાતમાં સંક્રમણ કરે છે. ભૂતકાળમાં, જમીન પર સક્રિય આવી ડીપ ડિપ્રેશન 1944, 1964 અને 1976ના વર્ષોમાં અરબી સમુદ્રમાં સંક્રમણ પામ્યું છે. આ ઉપરાંત દરિયાકાંઠાના વિસ્તારમાં 31 ઓગસ્ટના રોજ ભારેથી અતિભારે વરસાદ જોવા મળી શકે છે.