અમદાવાદ– મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતિ નિમિત્તે સમગ્ર દેશમાં યોજાનાર ‘સ્વસ્થ ભારત યાત્રા’ આગામી 18 નવેમ્બર, 2018ના રોજ દક્ષિણ ગુજરાતના દાંડી ખાતે પ્રવેશશે અને રાજ્યના 12 જિલ્લાઓમાંથી પ્રસાર થઇ 12 ડીસેમ્બર, 2018ના રોજ ઉત્તર ગુજરાતમાં પાલનપુરથી પ્રસ્થાન કરી રાજસ્થાન રવાના થશે.“ઇટ રાઇટ ઇન્ડીયા” કાર્યક્રમના ઉપક્રમે સમગ્ર દેશમાં જન જાગૃતિ ફેલાવવા માટે ૧૬ ઓક્ટોબર ૨૦૧૮થી આરંભાયેલી સ્વસ્થ ભારત સાયકલ યાત્રા અંગે માહીતી આપતાં રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અધિક મુખ્ય સચિવ પૂનમચંદ પરમારે પત્રકાર પરિષદને સંબોધતાં જણાવ્યું હતું કે, મહાત્મા ગાંધીના જીવન સંદેશમાંથી, સ્વસ્થ જીવનની પ્રેરણા લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રેરિત સ્વસ્થ ભારત યાત્રા ગુજરાતમાં ચોવીસ દિવસ દરમ્યાન જનજાગૃતિ ફેલાવાનું કામ કરશે. આ યાત્રા એના પ્રવાસ દરમિયાન સ્વસ્થ ભારત અને ઈટ રાઈટનો સંદેશ ફેલાવશે.
આ યાત્રા દાંડી, સૂરત, ભરુચ, વડોદરા, ગોધરા, સંતરામપુર, બાલાસિનોર, નડિયાદ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા અને બનાસકાંઠાના પાલનપુરમાં સહિતના બાર જિલ્લાઓના વિવિધ વિસ્તારોને આવરી લેશે. ગુજરાતના બાર જિલાઓમાંથી પસાર થયા બાદ સ્વસ્થ ભારત યાત્રા દેશના પશ્ચિમી રાજ્ય રાજસ્થાન રાજ્યમાં પ્રવેશ કરશે. દેશના વિવિધ રાજ્યોમાંથી પસાર થઈ ૨૭ જાન્યુઆરી, ૨૦૧૯ સુધીમાં દેશનું પરિભ્રમણ કરી દિલ્હી પરત ફરશે.
મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતી ઉજવણીના ભાગરૂપે ભારત સરકારના ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરીટી ઓફ ઇન્ડિયા દ્રારા સમગ્ર દેશમાં તા.૧૬ નવેમ્બર, ૨૦૧૮થી ૨૭મી જાન્યુઆરી, ૨૦૧૯ સુધી સમગ્ર દેશમાં “ઇટ રાઇટ ઇન્ડીયા” ના ઉપક્રમે જન જાગ્રુતિ સ્વસ્થ ભારત સાયકલ યાત્રા સમગ્ર દેશમાં ચાલી રહી છે. આગામી ૧૮ મી નવેમ્બર-૨૦૧૮થી ગુજરાતમાં પ્રવેશ કરશે.
પૂનમચંદ પરમારે કહ્યું કે, રાજ્યના બાર જિલ્લાઓમાં યોજાનાર યાત્રા સંદર્ભેના કાર્યક્રમમાં રાજ્યના મુખ્યપ્રધાન, નાયબ મુખ્યપ્રધાન, આરોગ્યપ્રધાન તથા સરકારના મુખ્ય સચિવ, અધિક મુખ્ય સચિવ, અધિકારીઓ તેમજ સમાજના પ્રતિષ્ઠીત ઉધોગપતિઓ તેમજ નાગરીકો હાજર રહેનાર છે.
અધિક મુખ્ય સચિવે આ સાયકલ યાત્રાની વિગતો આપતાં જણાવ્યું હતું કે, આ સમગ્ર સાયકલ યાત્રા દરમિયાન દરેક જિલ્લામાં એન.સી.સી. કેડેટ્સ તથા સમાજના પ્રતિષ્ઠિત નાગરિકો એક સ્થળેથી બીજા સ્થળે સાયકલ પર પ્રવાસ કરીને “ Eat Right India” અંગેની જન જાગૃતિ ફેલાવવાનું કાર્ય કરશે. રાજ્યના તમામ બાર જિલ્લાઓમાં સાયકલસવીરો પહોચ્યા બાદ એક આખો દિવસ જનજગૃતિ માટે પ્રભાત ફેરી, જાહેર સમારંભ, સાંસ્ક્રુતિક કાર્યક્રમ, વિડીયો-ઓડીયો પ્રસારણ, શાકમાર્કેટ અને ફુડ સ્ટ્રીટમાં જન જાગ્રુતિ અંગેની પ્રવૃત્તિઓ, ચિત્રકામ સ્પર્ધા, ફુડ કોર્ટ વગેરે જેવા કાર્યક્રમો યોજાશે. જ્યારે સાયકલવીરો સંબંધિત જિલ્લામાં પ્રવેશશે ત્યારે ત્યાં તેમનું સ્વાગત અને સન્માન કરવામાં આવશે. યાત્રાના બીજા દિવસે સંબંધિત જિલ્લાના સાયકલવીરોને અન્ય જિલ્લા માટે રવાના થશે ત્યારે તેમને ફ્લેગ ઓફ સાથે વિદાય આપવામાં આવશે. આ કાર્યક્રમ બારેય જિલ્લાઓમાં એક સમાન રીતે યોજવા સાથે જનજાગૃતિ માટેના સંપૂર્ણ પ્રયાસ કરવામાં આવશે. સંબંધિત જિલ્લાના કલેકટર, આરોગ્ય અધિકારી, ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગના ડેઝીગ્નેટેડ ઓફિસર આઇસીડીએસ વિભાગ તેમજ મધ્યાહન ભોજન યોજના વિભાગ વગેરે સાથે સંકલન કરી સમગ્ર યાત્રા સફળ બનાવવાનો પ્રયાસ કરાશે, તેમ તેમણે ઉમેર્યું હતું.પરમારે કહ્યું કે, સ્વસ્થ ભારત સાયકલ યાત્રા અમદાવાદમાં પ્રવેશશે ત્યારે 5મી ડીસેમ્બર, ૨૦૧૮ના રોજ સાંજે ૫ કલાકે કાંકરીયા ખાતે આશરે ૫ હજાર જેટલી જનમેદનીની ઉપસ્થિતીમાં “સ્વસ્થ ભારત મેળા” કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. આ કાર્યક્રમમાં પ્રજાજનોને Non communicable disease ને રોકવા માટે સ્વસ્થ ખોરાક ખાવા માટેના સંદેશ આપતા ઓડીયો, વિડીયો પણ દર્શાવવામાં આવશે. તેમ જ જાણીતા ન્યુટ્રીશનીસ્ટને પણ આમંત્રણ આપી શુધ્ધ અને સ્વસ્થ ખોરાક અને ખાવાની ટેવો અંગે માહિતી અને સમજ આપવામાં આવશે. આ ઉપરાંત સ્વચ્છ વાતાવરણમાં બનેલા ખાદ્ય પદાર્થો જ આરોગવા માટે ખાસ જાહેર અપીલ કરવામાં આવશે. સ્વચ્છ ખોરાકને પ્રજા સમક્ષ રજૂ કરવા માટે જુદાજુદા “કિલન સ્ટ્રીટ ફુડ હબ”, “RUCO”, ફુડ એડલસ્ટ્રેશન, ખોરાકમાં ભેળસેળને નાથવા જેવ વિષયો પર વક્તવ્ય આપવા માટે નાંમાકિત વ્યક્તિને બોલાવવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતના તમામ નાગરીકોને ફોર્ટીફાઇડ ફુડ મળી રહે તથા માઇક્રોન્યુટ્રીશનની ઉણપને નાથવા માટે તેમજ કુપોષણને નાથવા માટે ઇન્ડિયન મેડીકલ એસોશીયસન તરફથી યોગ્ય માર્ગદર્શન આપવામાં આવશે. આ ઉપરાંત લગ્ન સંમારંભ, હોટેલસ, જાહેર મેળાવડા, વગેરેમાં બનતા ભોજનનો બગાડ ન થાય તેમજ સમાજના ગરીબ વર્ગને આ ખોરાક યોગ્ય ચેનલથી પહોંચે તે માટે એન.જી.ઓ. દ્રારા સમજ આપવામાં આવશે. આ પ્રસંગે ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશ્નર ડો. હેમંત કોશિયા પણ ઉપસ્થિત હતા