ગુજરાત EC: રાજકીય જાહેરાતો પ્રસારિત કરતાં પહેલાં આ કામ ફરજિયાત

ગાંધીનગર-  નામદાર સુપ્રીમ કોર્ટે બંધારણના અનુચ્છેદ ૧૪૨ હેઠળ આપેલી સૂચના મુજબ રાજકીય પક્ષો, ચૂંટણીના ઉમેદવારો સંગઠનો કે વ્યક્તિ દ્વારા રાજકીય પ્રકારની જાહેરાતો ટી.વી. કેબલ નેટવર્ક, રેડીયો અને સોશિયલ મીડિયા જેવા વિજાણું માધ્યમોમાં પ્રસારિત કરતાં પહેલાં, રાજ્યકક્ષાએ તેમજ જિલ્લા કક્ષાએ રચાયેલ મીડિયા સર્ટિફિકેશન એન્ડ મોનિટરિંગ કમિટી સમક્ષ મંજૂરી મેળવવી ફરજિયાત રહેશે. મંજૂરી મળ્યા બાદ જ પ્રસારિત કરી શકાશે. આ કાર્યપદ્ધતિ કાયમી ધોરણે ભારતના બધાજ પ્રાંતોમાં એકસમાન રીતે લાગુ પડે છે તેમ, ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારી ડૉ.એસ.મુરલી ક્રિષ્ણાએ જણાવ્યું છે.

કેબલ ટેલીવીઝન (રેગ્યુલેશન્સ) અધિનિયમ, ૧૯૯૫ અંતર્ગત એડવર્ટાઇઝમેન્ટ કોડમાં જણાવેલ વિગતો સાથે સુસંગત ન હોય તેવા કોઇપણ પ્રકારની જાહેરાતનું કોઇપણ વ્યક્તિ દ્વારા પ્રસારણ કે પુન:પ્રસારણ કરી શકાતું નથી, ઉપરાંત કેબલ ટેલીવીઝન નેટવર્ક(રેગ્યુલેશન્સ) નિયમો, ૧૯૯૪ મુજબ રાજકીય કે ધાર્મિક પ્રકારની માન્યતા તરફ દોરી જાય તેવા પ્રકારની કોઇપણ જાહેરાતનું પ્રસારણ કરી શકાતું નથી.

જે જાહેરાત દેશના કાનૂન સાથે સુસંગત ન હોય, નૈતિકતા, શિષ્ટાચાર કે સંવેદનશીલતાને અસર કરતી હોય અથવા લોકોમાં આઘાત, ધૃણા અને અરેરાટી ઉપજાવે તેવા પ્રસારણો ટી.વી. કે કેબલ ઓપરેટર દ્વારા પ્રસારિત કરી શકાશે નહી. આ સંદર્ભે ચૂંટણી પંચ દ્વારા  તેના પર સતત નિયંત્રણ અને દેખરેખ રાખવા તથા આવી જાહેરાતો જો ઉમેદવારો તરફથી આપવામાં આવતી હોય તો તેનો ખર્ચ અને આવી જાહેરાત નિયમો/કાયદા સાથે સુસંગત છે કે કેમ તે નક્કી કરવા માટેનું માળખું ચૂંટણી પંચને તૈયાર કરવા નામદાર સુપ્રિમ કોર્ટ દ્વારા એપ્રિલ-૨૦૦૪ના ચૂકાદાથી જણાવાયું છે.

સુપ્રીમ કોર્ટના આ હુકમ સંદર્ભે ચૂંટણી પંચ નવી દિલ્હી દ્વારા રાજકીય પક્ષો ચૂંટણીના ઉમેદવારો, સંગઠનો કે વ્યક્તિ દ્વારા રાજકીય પ્રકારની જાહેરાતો વિવિધ વિજાણું માધ્યમોમાં પ્રસારિત કરતા પહેલાં આ હેતુ માટે રચાયેલ મીડિયા સર્ટિફિકેશન એન્ડ મોનિટરીંગ કમિટી સમક્ષ રજુ કરવા અને કમિટિની મંજૂરી મળ્યા બાદ જ આવી જાહેરાતોનું પ્રસારણ કરવાની સૂચનાઓ  જારી કરવામાં આવી છે. આ સૂચનાઓ અનુસાર ચૂંટણીના સમયગાળા દરમિયાન રાજકીય પક્ષો, ઉમેદવારો, સંગઠનો કે વ્યક્તિ દ્વારા વિજાણું માધ્યમોમાં પ્રચાર પ્રસાર માટેની જાહેરાતો આ મીડિયા સર્ટિફિકેશન એન્ડ મોનિટરીંગ કમિટી સમક્ષ રજુ કરવામાં આવે છે. ચૂંટણી પૂર્ણ થયા બાદ આવી રાજકીય પ્રકારની જાહેરાતો મંજૂરી માટે કમિટિ સમક્ષ રજૂ કરવામાં આવતી નથી. જે બાબતે ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ રાજકીય પ્રકારની  પ્રચાર પ્રસાર માટેની કોઇપણ જાહેરાતોનું પ્રસારણ કરતાં પહેલાં રાજ્ય અને જિલ્લા કક્ષાની મીડિયા સર્ટિફિકેશન એન્ડ મોનિટરીંગ કમિટી સમક્ષ રજૂ કરી વિજાણું માધ્યમોમાં પ્રસારણ માટે પૂર્વ મંજૂરી લેવાની રહેશે તેમ પણ યાદીમાં વધુમાં જણાવાયું છે.