ખ્યાતિકાંડના આરોપીઓને ક્રાઈમ બ્રાન્ચે દબોચ્યા, થયા ચોંકાવનારા ખુલાસા

અમદાવાદના ચકચારી ખ્યાતિકાંડની તપાસ કરી રહેલી અમદાવાદ ક્રાઈમ બ્રાંચને મહત્વની સફળતા હાથ લાગી છે. ખ્યાતિકાંડ મામલે ડો. પ્રશાંત વઝીરાણીની ધરપકડ કરાયા બાદ અન્ય આરોપીઓ ફરાર હતા તે પૈકીના ચિરાગ રાજપૂત, રાહુલ જૈન, મિલિંદ પટેલ સહિત પાંચ આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. તમામ આરોપીઓ ખેડાના કપડવંજ પાસેના એક ફાર્માં છુપાયા હતા. પોલીસ તેના સુધી પહોંચી ન શકે તે માટે રશિયન અને ચાઈનીઝ એપની મદદથી વાતચીત કરતા હોવાનું સામે આવ્યું છે. ખ્યાતિકાંડ મામલે અત્યાર સુધીમાં કુલ 6 આરોપીઓ ઝડપાયા છે. જ્યારે હજી પણ હોસ્પિટલના ચેરમેન કાર્તિક પટેલ, રાજશ્રી કોઠારી અને ડો. સંજય પટોળિયા ફરાર હોય તેઓની શોધખોળ ચાલી રહી છે.

JCPએ જણાવ્યું હતું કે, ચિરાગ રાજપૂત, મિલિન્દ પટેલ, રાહુલ જૈન, પ્રતિક ભટ્ટ અને પિંકલ પટેલની ધરપકડ કરવામાં આવી છે. ચિરાગ રાજપૂતનો ગુનાહિત ઈતિહાસ છે. ચિરાગ રાજપૂતની નીચે એક ટીમ કામ કરતી હતી. ચિરાગનો મહિને સાત લાખ રૂપિયા પગાર હતો. જ્યારે મિલિન્દ પટેલ અગાઉ સાલ હોસ્પિટલમાં કામ કરતો હતો. તેની સામે અગાઉ બે ગુના નોંધાયેલા છે. રાહુલ જૈન હોસ્પિટલમાં ઓડિટ કામ કરતો હતો. આ તમામ ચાઈનીઝ એપથી એકબીજાના સંપર્કમાં હતા. આવતીકાલે તમામ આરોપીઓને રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરાશે. વધુમાં તેમણે જણાવ્યું કે, હોસ્પિટલ દ્વારા અલગ-અલગ ગામમાં કેમ્પ કરી લોકોને સારવાર માટે હોસ્પિટલ બોલાવતા હતાં. ત્યાં PMJAY યોજના હેઠળ સારવાર કરી સરકાર પાસે પૈસા ક્લેમ કરવામાં આવતા હતાં. ગત વર્ષે PMJAYમાંથી 11 કરોડ રૂપિયાનું ટર્ન ઓવર કરાયું હતું. જોકે, તપાસ દરમિયાન કોણે કેટલું કમિશન લીધું તે વિશે તપાસ કરવામાં આવી રહી છે.