ભૂતપૂર્વ ક્રિકેટર પાર્થિવ પટેલના પિતાનું અવસાન

અમદાવાદઃ ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ વિકેટકીપર પાર્થિવ પટેલના પિતા અજયભાઈ બિપીનચંદ્ર પટેલનું આજે અહીં અવસાન થયું છે. આ દુઃખદ સમાચાર પાર્થિવે જ સોશિયલ મિડિયા પર શેર કર્યા હતા. સદ્દગત પિતા માટે પ્રાર્થના કરવા એણે પ્રશંસકોને વિનંતી કરી હતી. અજય પટેલને 2019માં બ્રેન હેમરેજ થયું હતું. ત્યારે પાર્થિવે સોશિયલ મિડિયા પર પ્રશંસકોને અપીલ કરી હતી કે તેઓ એના પિતાના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરે.

પાર્થિવ હાલ યૂએઈમાં રમાઈ રહેલા આઈપીએલ સ્પર્ધાના દ્વિતીય ચરણની મેચો માટે સ્ટાર સ્પોર્ટ્સ ટીવી ચેનલની હિન્દી કોમેન્ટરી ટીમનો સભ્ય છે. પરંતુ પિતાના અવસાનને કારણે એની પર તથા એના પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. અજયભાઈ પટેલ ઘણા વખતથી બીમાર હતા. 36 વર્ષનો પાર્થિવ 17 વર્ષની વયે ટેસ્ટ ક્રિકેટ રમનાર ભારતીય ટીમનો સૌથી યુવાન વયનો ક્રિકેટર બન્યો હતો. તેણે 2020માં ક્રિકેટની તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. તે પોતાની પહેલી ટેસ્ટ મેચ 2002માં ઈંગ્લેન્ડ સામે ટ્રેન્ટ બ્રિજમાં રમ્યો હતો. એ કુલ 25 ટેસ્ટ મેચ, 38 વન-ડે ઈન્ટરનેશનલ અને 2 ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચ રમ્યો હતો. પાર્થિવ આઈપીએલમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોર, ચેન્નાઈ સુપર કિંગ્સ, ડેક્કન ચાર્જર્સ, કોચી ટસ્કર્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ અને મુંબઈ ઈન્ડિયન્સ વતી રમ્યો હતો.