અમદાવાદ: એક હરિયાળી પહેલ કરતાં રત્નાકર ગ્રૂપે બાર્કવિલે ફાઉન્ડેશ દ્વારા બચાવેલા પ્રાણીઓ માટે ગ્રીન ઓએસિસની રચના કરવા માટે સહયોગ કર્યો છે. આ પ્રયાસથી આપવામાં આવેલો સંદેશ સ્પષ્ટ કરે છે કે “પૃથ્વી દરેક માટે છે.”
આ વિશિષ્ટ પહેલ અંતર્ગત લીમડાથી લઇને ડ્રમસ્ટિક, બિલીપત્ર, માડુડો, ચંપા અને જાસુદ જેવી વિવિધ પ્રજાતિના એક હજાર વૃક્ષોનું વાવેતર કરાયું હતું. જેના માટે વિસ્તારની કાળજીપૂર્વક તૈયારી કરાઇ હતી, જેમાં વાવેતર માટે ખેડાણ અને ખાડા તૈયાર કરવા તથા રક્ષણાત્મક વાડ લગાવવી વગેરે સામેલ હતું. આ ઉપરાંત પાણીનો કાર્યક્ષમ ઉપયોગ સુનિશ્ચિત કરવા માટે ટપક સિંચાઇ પદ્ધતિ પણ ગોઠવવામાં આવી હતી, જેથી નવા રોપાયેલા વૃક્ષોના વિકાસને વેગ આપી શકાય.
રત્નાકર ગ્રૂપના જોઇન્ટ મેનેજિંગ ડાયરેક્ટર નિશાંત શાહે કહ્યું હતું કે, “આપણી પૃથ્વી અને તેના રહેવાસીઓની કાળજી રાખવી એ માત્ર જવાબદારી જ નહીં, પરંતુ આપણો વિશેષાધિકાર છે. બાર્કવિલે ફાઉન્ડેશન સાથે ભાગીદારી દ્વારા બચાવેલા પ્રાણીઓ માટે અમે ગ્રીન ઓએસિસનું સંવર્ધન કરી રહ્યાં છીએ. આ અભ્યારણ્ય અદભાવ અને સહ-અસ્તિત્વની ભાવનાનું પ્રતિક છે. અમે સાથે મળીને કરૂણા અને ટકાઉપણાના બીજનું વાવેતર કર્યું છે, જેથી વર્તમાન અને ભાવિ પેઢીઓ માટે “પૃથ્વી દરેક માટે છે”ની ભાવના સુનિશ્ચિત કરી શકાય.”
હાલમાં બાર્કવિલે 85 ત્યજી દેવાયેલા પાલતુ શ્વાનને આશ્રય આપે છે, જેમાં લેબ્રાડોર્સ, જર્મન શેફર્ડ્સ, રોટવેઇલર્સ, સેન્ટ બર્નાર્ડ્સ, બીગલ્સ, પિટબુલ અને વિવિધ મિશ્ર જાતુઓ સામેલ છે. શ્વાન ઉપરાંત આ સુવિધામાં ગાય, ઘોડા, બિલાડીના બચ્ચા, સસલા અને અસંખ્ય પક્ષીઓ પણ રહે છે. આ સંયુક્ત પહેલનો ઉદ્દેશ્ય બાર્કવિલે કેમ્પસમાં નિર્ધારિત જગ્યામાં વાડની સુરક્ષા સાથે વિવિધ પ્રજાતિના વૃક્ષોનું વાવેતર કરવાનો છે, જેથી પ્રાણીઓ માટે સુરક્ષિત માહોલની રચના કરી શકાય.