રાજકોટ: કોરોના મહામારી સામે સમગ્ર દેશ એક થઈને લડી રહ્યો છે. દેશનો ઉદ્યોગપતિઓ, ફિલ્મસ્ટારો, સ્પોર્ટ્સમેનો સહિતના તમામ લોકો મદદ માટે આગળ આવી રહ્યા છે. ગુજરાતમાં પણ કોરોનાના કહેર વચ્ચે માનવતાની મિસાલ રજૂ કરનારા પણ ઘણા કિસ્સા સામે આવ્યા છે.
ઉદ્યોગપતિ રસિકભાઈ ખાણધરે પણ રાજકોટમાં આવા સેવાના કાર્યો દ્વારા મદદ માટે પહેલ કરી છે. લોકડાઉનમાં બધાને ઘરમાં રહેવાની સલાહ છે, પણ ફરજ નિભાવી રહેલા કર્મચારીઓ ને કાર્યકરોના માથે તો ચોવીસ કલાક ડ્યુટી લદાયેલી રહે છે. વેરિટો ગ્રુપના માલિક રસિકભાઈએ રાહત નિધિ ફંડમાં તો યોગદાનની જાહેરાત કરી જ છે, પણ એ પોતે પણ સેવાકાર્યો માટે જમીન પર ઊતર્યા છે.
રાજકોટ શહેરના યુનિવર્સિટી રોડ, કાલાવાડ રોડ સહિતના વિસ્તારોમાં રસિકભાઈ ફરજ બજાવી રહેલા કર્મચારીઓને ચા-નાસ્તાની સગવડ આપી રહ્યા છે. સફાઈકર્મીઓ, પોલીસ કર્મીઓ ને બીજા કર્મચારીઓ માટે આ સગવડ તેઓ આપી રહ્યા છે. અત્યારની વિકટ પરિસ્થિતિમાંથી બહાર ન અવાય ત્યાં સુધી તેઓ આ સેવા આપતા રહેશે એવો તેમણે સંકલ્પ કર્યો છે.
મહત્વનું છે કે, કોરોના મહામારીને રોકવા માટે અને ગરીબ અને જરૂરીરિયાત મુજબનાં પરિવારને તમામ મદદ કરવાનાં ઉદેશથી પીએમ તેમજ રાજ્યના મુખ્યમંત્રી દ્વારા રાહત ફંડમાં ઉદાર હાથે ફાળો આપવા માટે અપીલ કરાયા બાદ રાહત ફંડમાં અનેક નાગરિકો અને સંસ્થાઓ દ્વારા દાનનો પ્રવાહ ચાલુ થયો છે. ગુજરાત અને ભારતનાં અનેક લોકો જ્યારે જ્યારે દેશ પર કોઈ આફત કે મુશ્કેલીઓ આવે ત્યારે દેશ માટે લોકો તન,મન અને ધન ન્યોછાવર કરતા હોય છે.
(પરેશ ચૌહાણ)