અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના કેસો વધી રહ્યા છે. આજે સવારે ગુજરાતમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા 33 હતી. ત્યારે અત્યારે અન્ય બે પોઝિટિવ કેસ નોંધાતા હવે કોરોના વાયરસના દર્દીઓનો આંકડો 35 થઈ ગયો છે. આ બંને વ્યક્તિઓ રાજકોટનાં છે અને તે લોકો વિદેશથી આવ્યા હતા. રાજકોટમાં વધુ બે કેસ નોંધાતા કુલ આંકડો 3 થયો છે. એક 75 વર્ષીય મહિલા અને 36 વર્ષના પુરુષને કોરોનાનો ચેપ લાગ્યો છે. અત્યારે તાત્કાલિક ધોરણે તેમના પરિવારોને ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યાં છે અને તેમને મળેલા તમામ લોકોને પણ શોધીને ક્વોરેન્ટાઇન કરવામાં આવશે.
રાજકોટમાં વધતાં જતાં કોરોના પોઝિટિવ કેસોને ધ્યાને લઈ રાજકોટમાં 17 ક્વોરન્ટાઈન સેન્ટર બનાવાયા છે. તો આગામી 24 કલાકમાં 4408 બેડની વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. સાથે જ તંત્ર દ્વારા લોકોને ઘર બહાર ન નીકળવાની અપીલ પણ કરવામાં આવી છે. તો કોરોના સામેની જંગ માટે રાજકોટમાં 800થી વધુ નર્સ અને તબીબી સ્ટાફ ખડેપગે હાજર રહેશે.
અમદાવાદમાં કોરોનાના 13 કેસ પોઝિટિવ, સુરતમાં કોરોના 6 પોઝિટિવ કેસ, 1નું મોત, વડોદરામાં 6 અને ગાંધીનગરમાં 6 કેસ પોઝિટિવ અને રાજકોટમાં કોરોનાના 3 પોઝિટિવ કેસ તો કચ્છમાં કોરોનાના 1 કેસ પોઝિટિવ નોંધાયા છે.