અમદાવાદઃ રાજ્યમાં લગ્નની અને સ્થાનિક ચૂંટણી પૂરી થયા બાદ કોરોનાના કેસ ઉત્તરોત્તર વધી રહ્યા છે. રાજ્યના અમદાવાદ અને સુરતમાં માંડ સ્થિતિ સામાન્ય થઈ હતી ત્યારે આ બે શહેરમાં કોરોનાએ ફરીથી ચિંતા વધારી દીધી છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 810 નવા કેસ સામે આવ્યા છે. આમ, રાજ્યમાં 75 દિવસમાં પ્રથમ વાર કોરોનાના દૈનિક કેસે 800ની સપાટી વટાવી છે.
અમદાવાદમાં કોરોના વાઇરસની નવી લહેર જોવા મળી છે. અમદાવાદમાં એક મહિનામાં જ કોરોનાના દૈનિક કેસની ગતિમાં બમણો વધારો થયો છે. હાલ અમદાવાદમાં કોરોનાના કુલ કેસનો આંક 64,636 છે જ્યારે અત્યાર સુધી 2323ના મૃત્યુ થયાં છે. શહેરમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. જેના પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી નવા ત્રણ માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. આ સાથે અમદાવાદમાં કુલ 48 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન થયા છે. વળી અમદાવાદનાં ડોક્ટર દંપત્તી કોરોનાની રસી લીધા બાદ પણ કોરોના પોઝિટિવ આવ્યાં, જેથી તેમને ઘરમાં જ ક્વોરન્ટિન કરવામાં આવ્યા છે. ડોક્ટર દંપતીએ કોરોના રસીના બંને ડોઝ લીધા હતા.
સુરતમાં છેલ્લા 15 દિવસમાં એક્ટિવ કેસમાં અઢી ગણો વધારો નોંધાયો છે. બરાબર એક મહિના સુરતમાં 38 દૈનિક કેસ નોંધાતા હતા, જે હવે છેલ્લા બે દિવસથી 200થી વધુ કેસ સામે આવી રહ્યા છે. સુરતમાં કોરોનનાના કુલ કેસનો આંક 55,829 જ્યારે કુલ મરણાંક 978 છે.
સુરતમા પણ કોરોનાથી સ્થિતિ સતત વકરી રહી છે. બરાબર 15 દિવસ પહેલાં સુરતમાં 462 એક્ટિવ કેસ હતા. જેની સરખામણીએ હાલમાં 1187 એક્ટિવ કેસ છે. જોકે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 57,194 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.