સ્થાનિક ચૂંટણી પછી 5-8 ધોરણની પરીક્ષા લેવાની વિચારણા

અમદાવાદઃ રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો રાજકીય માહોલ છે, ત્યારે રાજ્યમાં કોરોનાના કેસો સતત ઘટી રહ્યા છે અને સક્રિય કેસોની સંખ્યા 2000ની આસપાસ જ છે. જેથી રાજ્યમાં સામાન્ય સ્થિતિ ઝડપથી સ્થપાઈ રહી છે, જેથી શૈક્ષણિક કાર્યમાં વધારો કરવામાં આવી રહ્યો છે. અત્યાર સુધીમાં સરકારે ધોરણ 10, 12, કોલેજ અને છેલ્લે ધોરણ 9-11ના વિદ્યાર્થીઓ માટે શાળા શરૂ કરવાની મંજૂરી આપી છે, પણ સરકારે  હવે અન્ય પ્રાથમિક ધોરણના વિદ્યાર્થીઓ માટે પણ અભ્યાસ શરૂ કરી રહી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂરી થયા બાદ સરકાર હવે ધોરણ 1-4 અને 5-8ના અભ્યાસ અને પરીક્ષા લેવા માટે વિચારણા કરી રહી છે. સ્થાનિક ચૂંટણી પછી ધોરણ 1-4ના વિદ્યાર્થીઓની એકમ કસોટી લઈ તેના આધારે પરિણામ જાહેર કરવાની વિચારણા ચાલી રહી છે. આ ઉપરાંત આગામી શૈક્ષણિક સત્ર પણ વહેલુ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ વખતે ઉનાળુ વેકેશન પણ વિદ્યાર્થીઓને લાંબું આપવામાં આવશે નહીં. જોકે આ અંગે હજુ કોઈ નિર્ણય લેવામાં નથી આવ્યો. જોકે સત્તાવાર જાહેરાત માટે હવે ચૂંટણી સુધી રાહ જોવી પડશે. 

સ્કૂલો શરૂ થતાં સ્કૂલોએ કોરોનાની ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. સંચાલકોએ વિદ્યાર્થીઓનું ટેમ્પરેચર માપીને પ્રવેશ આપવાનો રહેશે. સ્કૂલો સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માટે જો વર્ગખંડ નાનો પડે તો લાઇબ્રેરી કે લેબોરેટરીનો પણ ઉપયોગ કરી શકે છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]