અમદાવાદઃ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પર પાટીદાર નેતા હાર્દિક પટેલે આકરા પ્રહારો કર્યા હતા. તેમણે રાજીનામું આપ્યા બાદ પત્રકાર પરિષદ યોજી હતી. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ ગુજરાતનું સારું નથી ઇચ્છતી. ગુજરાતમાં કોંગ્રેસનું 2050 સુધી કોઈ ભવિષ્ય નથી હતી. કોંગ્રેસમાં સૌથી મોટી જાતિવાદનું રાજકારણ છે. અમારા આંદોલનથી ઘણાને ફાયદો થયો છે. કોંગ્રેસ માત્ર લોકોનો દુરુપયોગ કરીને તેમને ફેંકી દેવાની જ નીતિ અપનાવે છે. નરહરિ અમીન હોય કે ચીમનભાઈ પટેલ- તેમને કોંગ્રેસમાંથી હટાવી દેવાયા હતા. જ્યારે જ્યારે કોંગ્રેસમાં સાચી વાત કરવામાં આવી ત્યારે કેટલાક લોકો દ્વારા બદનામ કરવાનું કામ કરવામાં આવે છે.
“કોંગ્રેસમાં જોડાયો ત્યારે એ સપનું હતું કે જે હિત સાથે જે સપના સાથે કોંગ્રેસમાં આવ્યો છું, તે ગુજરાતના લોકોની વાત આક્રામકતા સાથે કરી શકીશ. 2015 અને 2017ની ચૂંટણીમાં વિપક્ષ હોય તો કંઈક થઈ શકે તેવા અવાજ સાથે અમે કોંગ્રેસને લાભ કરાવ્યો હતો, એમ તેમણે કહ્યું હતું. હાર્દિક પટેલે કહ્યું હતું કે કોંગ્રેસમાં મને બે વર્ષ સુધી કાર્યકારી તરીકે કોઈ જવાબદારી નથી સોંપાઈ.
તેમણે જણાવ્યું હતું કે ગુજરાતમાં માત્ર પાંચ-સાત લોકો પાર્ટી ચલાવે છે. મેં 2015 થી 2019 સુધી ઇમાનદારીથી અસંખ્ય લોકોના અધિકાર માટે આંદોલન કર્યું હતું.
ગુજરાતના લોકોને વિનંતી છે કે કોંગ્રેસ પર ભરોસો ન કરતા જો ભરોસો કરશો તો તૂટશે. નીતિન ગડકરી પણ કહેતા હતા કે વિપક્ષ હોવો જોઈએ પણ વિપક્ષ કોણ એ મોટો સવાલ છે. આગામી દિવસોમાં કોંગ્રેસ ગુજરાતના વિપક્ષમાં પણ નહીં હોય. કોંગ્રેસે ચિંતન કરવાની નહીં પણ ચિંતા કરવાની જરૂર છે. હાર્દિક પટેલે પત્ર ટ્વીટ કરી કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. જેમાં સ્ફોટક ખુલાસા કરવામાં આવ્યા છે. તેમણે એ પત્ર સોનિયા ગાંધીને ટાંકીને લખ્યો હતો.