અમદાવાદઃ ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન અને ગુજરાત કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ ભરત સોલંકી 101 દિવસની સૌથી લાંબી લડત પછી હોસ્પિટલમાંથી ઘરે પરત ફર્યા છે. તેઓ કોવિડ-19ના સામે દેશ અને એશિયાની સૌથી લાંબી લડત આપનારા દર્દી રહ્યા છે. તેમણે આ 101 દિવસમાંથી 51 દિવસ તો વેન્ટિલેટર પર રહીને લડત આપી છે. તેમણે કહ્યું હતું કે સિમ્સ હોસ્પિટલ અને તેમની ટીમે મને બીજું જીવન આપ્યું છે.
ભરત સોલંકીને હોસ્પિટલમાં સારવાર દરમ્યાન અનેક કોમ્પ્લિકેશન્સ આવ્યાં
ભરતભાઈ. 21 જૂન, 2020એ કોવિડ-19ની સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થયા હતા. ત્યાર બાદ તેમને 30 જૂન, 2020એ વડોદરાની સિમ્સ હોસ્પિટલમાં લઈ જવાયા હતા. એ પછી તેમને અમદાવાદ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતાઆ દરમ્યાન તેમણે કોવિડ-19, ન્યુમોનિયા, રિનલ ફેલ્યોર કોમા, પેરાલિસિસ અને સેપ્સિસ જેવાં ઘાતક કોમ્પ્લિકેશન્સનો સામનો કર્યો હતો. ભરતભાઈને હોસ્પિટલમાં સારવાર દરમ્યાન શ્વાસ લેવામાં મુશ્કેલી પડતાં તેમને ICUમાં પણ ખસેડવામાં આવ્યા હતા.
મુખ્ય પ્રધાન સહિત અનેક નેતાઓનો તેમણે આભાર માન્યો
ભરત સોલંકીએ મુખ્ય પ્રધાન વિજયભાઈ રૂપાણી, ઉપમુખ્ય પ્રધાન નીતિન પટેલ, અહમદભાઈ પટેલ, ડો. જયંતિ રવિ, ડો. રાજીવ ગુપ્તા, પ્રદેશ કોંગ્રેસ કમિટીના અમિત ચાવડા સહિત અસંખ્ય મિત્રો, પરિવારજનો અને ડોક્ટરોની ટીમ માટે આભાર માન્યો હતો. તેમણે કહ્યું હતું કે હું વ્યક્તિગતરૂપે સિમ્સ હોસ્પિટલની કોવિડ ટીમ, નિર્દેશિત ડોક્ટર, નર્સિંગ, પેરામેડિકલ સ્ટાફ, મેનેજમેન્ટના અથાક પ્રયાસો અને તેમના પરિવારના સભ્યો અને શુભચિંતકોની પ્રાર્થનાઓ બદલ આભાર વ્યક્ત કરું છે.
