અમદાવાદઃ અદાણી વિદ્યામંદિર-અમદાવાદ (AVMA) અને UNICEF વચ્ચે શિક્ષણને ગુણવત્તાયુક્ત અને સર્વગ્રાહી બનાવવા કોલોબોરેશન કરવામાં આવ્યું છે. શૈક્ષણિક વર્ષ 2023-24માં “યુનિસેફ ઓન કેમ્પસ નોલેજ ઇનિશિયેટિવ” અંતર્ગત AVMA સહયોગી પ્રવૃત્તિઓ માટે યુનિસેફ સાથે મળીને શૈક્ષણિક મિશનની સફળતા માટે યોગદાન આપશે. ગુજરાતમાં ખાનગી શાળા સાથે સૌપ્રથમ વાર થયેલા આ સહયોગથી શિક્ષણને આગળ ધપાવતું અનોખું મોડેલ ઊભું કરાશે.
યુનિસેફ સાથેના કોલોબોરેશનથી વિદ્યાર્થીઓને જ્ઞાનવર્ધન સહિત અનેક ફાયદાઓ થશે, જેમાં તેમના દ્વારા ચલાવાતા ખાસ કાર્યક્રમો બાળઅધિકાર જાગૃતિ, ક્લાઇમેટ એક્શન, લાઇફ સ્કિલ્સ, બોડી પોઝિટિવિટી અને સેલ્ફ એસ્ટીમ, ન્યુટ્રિશન, એનિમિયા, ઓનલાઇન સેફ્ટી, નાણાકીય સાક્ષરતા અને બાળકોને હિંસામુક્ત કરવા જેવા વિષયોમાં પ્રશિક્ષિત કરવામાં આવશે.
અદાણી ફાઉન્ડેશનનાં ચેરપર્સન ડૉ. પ્રીતિ અદાણી જણાવે છે કે અદાણી ફાઉન્ડેશન સંચાલિત અદાણી વિદ્યા મંદિર (અમદાવાદ) યુનિસેફ સાથેના સહયોગથી વિદ્યાર્થીઓને ઇમર્સિવ ભણતરનો લાભ મળશે તે ખૂબ જ આનંદની વાત છે.
અદાણી ફાઉન્ડેશનના ટ્રસ્ટી શિલિન અદાણીએ યુનિસેફ સાથે સહયોગ કરનાર ગુજરાતની પ્રથમ ખાનગી શાળા બનવા બદલ AVMA ટીમને અભિનંદન પાઠવ્યાં હતાં. આ સહયોગ ગુણવત્તાયુક્ત શિક્ષણને આગળ વધારતા ગુજરાતમાં એક અનોખું મોડેલ બનાવવામાં યોગદાન આપશે. આ પહેલ હેઠળના વિવિધ કાર્યક્રમો એલિક્સિર ફાઉન્ડેશન સહિત અન્ય ભાગીદાર સંસ્થાઓ સાથે આયોજિત કરવામાં આવશે.
આ સહયોગ બદલ આનંદ વ્યક્ત કરતાં યુનિસેફની ગુજરાત ફિલ્ડ ઓફિસના વડા પ્રશાંતા દાશ જણાવે છે કે વિનામૂલ્યે શિક્ષણ પ્રદાન કરતા અદાણી વિદ્યા મંદિર સાથે યુનિસેફ ઓન કેમ્પસ નોલેજ ઇનિશિયેટિવ’ કરતાં યુનિસેફ આનંદ અનુભવે છે. આ ખાસ મોડેલમાં બાળકોની જાગૃતિ વધારવા અને સામાજિક મુદ્દાઓ પરત્વે તેમનો અવાજ બુલંદ કરવા પ્લેટફોર્મ પ્રદાન કરવા તેમજ વિકાસ અને ભાગીદારીને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.
AVMA આર્થિક પડકારોનો સામનો કરી રહેલા અસાધારણ પ્રતિભા ધરાવતા બાળકો માટે આદર્શ વિદ્યામંદિર છે. હાલ તેમાં અમદાવાદના 1000 વિદ્યાર્થીઓનું વિનામૂલ્યે ગુણવત્તાયુક્ત શિક્ષણનાં મૂલ્યો સાથે જીવન ઘડતર થઈ રહ્યું છે. CBSE સંલગ્ન આ શાળામાં વિદ્યાર્થીઓને પરિવહન, ગણવેશ, પુસ્તકો અને ભોજનમાં પૂરક સહાય સાથે શિક્ષણ આપવામાં આવે છે. હાલ શાળામાં વિજ્ઞાન, વાણિજ્ય અને હ્યુમાનીટી સ્ટ્રીમના 4થી 12 સુધી ભણાવવામાં આવે છે. ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (QCI) હેઠળ ‘NABET માન્યતા પ્રાપ્ત શાળા’ તરીકે AVMA ને પ્રમાણિત કરવામાં આવી છે. આ સિદ્ધિ હાંસલ કરનાર અમદાવાદ શહેરની પ્રથમ ખાનગી શાળા છે.