સૌરાષ્ટ્ર-કચ્છમાં કોલ્ડ વેવ તો ઉત્તર ગુજરાતમાં માવઠાની આગાહી

અમદાવાદઃ રાજ્યમાં આવનારા દિવસોમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીની સાથે ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ થવાની આગાહી હવામાન વિભાગે કરી છે. હાલ દેશના અનેક વિસ્તારમાં ભારે ઠંડી પડી રહી છે. રાજ્યના અનેક વિસ્તારોમાં પણ ઠંડી પડી રહી છે અને રાજ્યના અનેક વિસ્તારોમાં ઠંડીનો પારો 10 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયો છે. કચ્છના નલિયામાં સૌથી વધારે ઠંડી પડી રહી છે અને ત્યાંનું લઘુતમ તાપમાન નીચે જઈને છેલ્લા 24 કલાકમાં 5.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે.

હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં ઠંડીની સાથે-સાથે ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ થવાની શક્યતા છે અને એ બાદ ફરી ઠંડી વધે તેવી શક્યતા દેખાઈ રહી છે.ઉત્તર ગુજરાત પર એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે અને તેને કારણે ઉત્તર ગુજરાતના ઘણા વિસ્તારોમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને પાટણ જિલ્લા સહિતના કેટલાક વિસ્તારોમાં હવામાનમાં પલટો આવે તેવી શક્યતા છે. ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ઠંડીની સાથે-સાથે 28 જાન્યુઆરીની આસપાસ વરસાદ થવાની શક્યતા છે.

જોકે આ વિસ્તારોમાં હળવો વરસાદ થવાની શક્યતા છે, ભારે વરસાદની કોઈ આગાહી કરવામાં આવી નથી. શિયાળામાં આ સમયે થતો વરસાદ ચણા, જીરું, ધાણા અને રાયડા સહિતના રવી પાકને નુકસાન કરે તેવી શક્યતા છે. ઉત્તર ગુજરાત સહિત રાજ્યના અન્ય વિસ્તારો જેવા કે પૂર્વ ગુજરાત તથા મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હવામાન પલટાય તેવી શક્યતા છે.