અમદાવાદઃ ભારતીય કોસ્ટ ગાર્ડના જવાનોએ ગુજરાતના સમુદ્રકાંઠા નજીક અરબી સમુદ્રમાં ડૂબી રહેલા એક કાર્ગો જહાજના 12 ખલાસીઓને બચાવી લીધા છે.
આ ઘટના ગઈ કાલે રાતે લગભગ 9 વાગ્યે બની હતી.
કોસ્ટ ગાર્ડના અધિકારીઓને જાણકારી મળી હતી કે ઓખાના સમુદ્રકાંઠાથી લગભગ 10 દરિયાઈ માઈલ દૂર ‘MSV કૃષ્ણ સુદામા’ નામના જહાજ પર પાણી ભરાયા છે.
કોસ્ટ ગાર્ડે એક નિવેદનમાં જણાવ્યું છે કે, આ જહાજ ગઈ કાલે ગુજરાતના મુન્દ્રા બંદરેથી જીબુટી ટાપુ તરફ જવા માટે રવાના થયું હતું. એમાં 905 ટન ચોખા અને ખાંડ હતા, જે આફ્રિકી ટાપુરાષ્ટ્ર જીબુટીમાં પહોંચાડવાના હતા.
કોસ્ટ ગાર્ડને જ્યારે ખબર પડી કે કૃષ્ણ સુદામા જહાજ ડૂૂબી રહ્યું છે ત્યારે એનું જહાજ C-411 એમાં રહેલા ખલાસીઓને બચાવવા માટે ઓખાથી રવાના થયું હતું. તે સમુદ્રવિસ્તારમાં રહેલા અન્ય જહાજ એમ.વી. સધર્ન રોબીનને પણ સહાયતા માટે એ તરફ વાળી દેવામાં આવ્યું હતું.
કોસ્ટ ગાર્ડના જહાજ C-411 એ વ્યાપક ખોજ કરીને ડૂૂબતા જહાજને શોધી કાઢ્યું હતું. એમાંના 12 ખલાસીઓ એમના જહાજમાં પાણી ભરાતાં એ ડૂબવાનું શરૂ થતાં એને પડતું મૂકીને એક રબરની હોડીમાં સવાર થયા હતા.
કોસ્ટ ગાર્ડના જહાજે હવામાનની ભયજનક પરિસ્થિતિમાં અને ગભરાયેલી હાલતમાં રહેલા તમામ 12 ખલાસીઓને ઉગારી લીધા હતા. એ બધાયને સહીસલામત રીતે ઓખા બંદરે લાવવામાં આવ્યા હતા.