કોરોના સંક્રમિતોની સંખ્યા દેશમાં 60 લાખને પાર

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના સંક્રમિતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. દેશમાં કોવિડ-19ના કુલ મામલા 60 લાખને પાર થયા છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 82,170 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 1039 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 60,74,702 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 95,542 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 50,16,520 લોકો માત આપી ચૂક્યા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 9,62,640 પહોંચી છે. પાછલા 24 કલાકમાં 74,893 દર્દીઓ ઠીક થયા છે. રિકવરી રેટ વધીને 82.14 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.60 ટકા થયો છે.

કોરોનાની સારવાર શોધ્યાનો દાવો

અમેરિકામાં ફ્લોરિડાના ડોકટરોએ દાવો કર્યો છે કે તેમણે કોરોનાનો ઇલાજ શોધી કાઢ્યો છે. નવી સારવારથી ૫૦ ટકા દર્દીઓના જીવ બચાવ્યાનો દાવો પણ કરવામાં આવ્યો છે. ફ્લોરિડાની એડવેન્ટ હેલ્થ હોસ્પિટલનાં ડોકટરોએ કહ્યું હતું કે, તેમણે ચાર પ્રકારની દવાનું મિશ્રણ કરીને એક થેરપી બનાવી છે જેનું નામ ICAM છે જેના દ્વારા રોગપ્રતિકારક શક્તિ વધે છે. જે ચાર દવા ઉપયોગમાં લેવામાં આવી છે, તેમાંFઈમ્યુનો સપોર્ટ ડ્રગ્સ જેવી કે વિટામિન C અને ઝિંક તેમજ Corticosteroids, Anticoagulants અને Macrolides સામેલ છે. આ દવાથી ફેફસાંમાં ઇન્ફેક્શન રોકી શકાય છે.

કોલેસ્ટરોલ ઘટાડતી દવા સ્ટેટિન્સ અસરકારક પુરવાર થઈ

કોરોનાની સારવારમાં સ્ટેટિન્સ અસરકારક પુરવાર થઈ શકે છે. ૧૭૦ દર્દીઓ પર તેનો પ્રયોગ કરવામાં આવતા ૫૦ ટકા દર્દીઓનો કોરોના ગંભીરરૂપ ધારણ કરે એ પહેલાં એને રોકી શકાયો હતો. કોલેસ્ટરોલ અને લિપિડ મેટાબોલિઝમમાં સામેલ CH25Hથી જીન્સમાં એન્ટિ કોરોના વાઇરસ પ્રોસેસ થઈ હતી અને કોરોનાનાં વાઇરસનો નાશ કર્યો હતો.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.