કૃષિ ઊપજ વેચવાની સ્વતંત્રતાથી ખેડૂતો સમૃદ્ધ બનશેઃ ‘અમૂલ’ MD

આણંદઃ કૃષિ સુધારા સાથે સંકળાયેલા ત્રણ ખરડાને સંસદે પાસ કરી દીધા એને કારણે ઊભા થયેલા વિવાદ વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે ‘મન કી બાત’ કાર્યક્રમમાં ફરી સુધારા પર વાત કરી હતી. તેમણે કેટલાક ખેડૂતોના અનુભવ પણ શેર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે APMC એક્ટથી બહાર થયા પછી ફળ અને શાકભાજી ઉગાડતા ખેડૂતોને ખાસ્સો લાભ થયો છે. જોકે વિરોધ પક્ષોથી માંડીને કેટલાંક રાજ્યોના ખેડૂતો નવી જોગવાઈઓનો વિરોધ કરી રહ્યા છે. કૃષિ ખરડાઓ પર વડા પ્રધાનની ‘મન કી બાત’ પર પ્રતિક્રિયા આપતાં ‘અમૂલ’ બ્રાન્ડની માલિક કંપની GCMMF (ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ)ના મેનેજિંગ ડાયરેક્ટર આર.એસ. સોઢીએ મુક્ત બજારોથી ડેરી ક્ષેત્રના કિસાનોને થતા લાભાલાભ વિશે જાણકારી આપી હતી.

તેમણે કહ્યું હતું કે કૃષિ ઊપજના રૂપમાં દૂધની કિંમત આઠ લાખ કરોડ રૂપિયા છે, જે ઘઉં અને ચોખા અને શેરડીના સંયુક્ત મૂલ્યથી વધુ છે. તેમણે કહ્યું હતું કે ડેરી ખેડૂત GCMMFથી જોડાયેલા છે કે નહીં –તેઓ તેમની ઊપજ ક્યાંય પણ વેચવા માટે સ્વતંત્ર છે અને ખરીદદાર એને ખરીદવા માટે સ્વતંત્ર છે. જોકે તેમણે કહ્યું હતું કે દૂધ અને દૂધનાં ઉત્પાદનોની હરીફાઈ ગ્રામીણ સ્તરે છે.

તેમણે મુક્ત બજાર પર વાત કરતાં એ વાત પર ધ્યાન દોર્યું હતું કે આજે એક તરફ GDPમાં કૃષિ યોગદાન ઘટી રહ્યું છે, ત્યારે GDPમાં દૂધના યોગદાનમાં વધારો થયો છે. જેથી ખેડૂતોની આવકમાં પણ વધારો થયો છે, કેમ કે એને સ્વતંત્ર રીતે તેઓ તેમની મરજી મુજબ ઊપજને ક્યાંય પણ વેચી શકે છે. અમૂલ પાસે એક મોટો બજાર હિસ્સો છે. ડેરી ઉદ્યોગ છે, જ્યાં 100 ટકા FDIની મંજૂરી છે. નેસ્લે અને યુનિલિવર જેવી મલ્ટિનેશનલ કંપનીઓ તેમનાં ઉત્પાદનોની સાથે ભારતમાં હાજર છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]