1 ઓક્ટોબરથી ડ્રાઈવિંગ લાઈસન્સ, RC સાથે રાખવાની ઝંઝટ ખતમ

અમદાવાદઃ વાહન ચલાવતી વખતે સાથે RC (રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ) અને ડ્રાઇવિંગ લાઇસન્સ જેવા દસ્તાવેજોની હાર્ડ કોપી રાખવાનું ટેન્શન હવે ખતમ થવાનું છે. વેહિકલ સાથે સંકળાયેલા આ દસ્તાવેજોની માત્ર વેલિડ સોફ્ટ કોપી સાથે રાખીને પણ તમે તમારું વાહન ચલાવી શકશો. તપાસ દરમ્યાન એ પુરાવા તરીકે માન્ય રહેશે એટલે કે હાર્ડ કોપી બતાવવાની જરૂરત નહીં પડે. આ સાથે ડ્રાઇવિંગ દરમ્યાન રૂટ જોવા માટે હવે મોબાઇલનો પણ ઉપયોગ કરી શકશો. રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલયે મોટર વાહન નિયમ 1989માં કરવામાં આવેલાં વિવિધ સંશોધનોનું નોટિફિકેશન જારી કરી દીધું છે, જે આવતી 1 ઓક્ટોબરથી લાગુ થશે.

સરકારે કહ્યું હતું કે 1 ઓક્ટોબર, 2020થી ડ્રાઇવિંગ લાઇસન્સ અને ઈ-ચલણ સહિત વાહનથી સંકળાયેલા તમામ દસ્તાવેજની જાળવણી એક IT પોર્ટલના માધ્યમથી કરવામાં આવશે. તપાસ દરમ્યાન ઇલેક્ટ્રોનિક માધ્યમથી કાયદેસર થયેલા વેહિકલ દસ્તાવેજને બદલે હાર્ડ કોપીની માગ નહીં કરવામાં આવે. એ સાથે લાઇસન્સિંગ ઓથોરિટી દ્વારા અયોગ્ય અને રદ કરવામાં આવેલા ડ્રાઇવિંગ લાઇસન્સની ડિટેલ્સ પોર્ટલ પર રેકોર્ડ કરવામાં અને અપડેટ કરવામાં આવશે.

1000 રૂપિયાથી 5000 રૂપિયા સુધીનો દંડ

નવા નિયમોમાં એ વાતની જોગવાઈ કરવામાં આવી છે કે ગાડી ચલાવતી વખતે માત્ર રૂટ નેવિગેશન માટે હાથમાં મોબાઇલ અથવા એના જેવા ડિવાઇસનો ઉપયોગ કરી શકાશે, પરંતુ એ ખાતરી કરવાની રહેશે કે ડ્રાઇવરનું ધ્યાન બેધ્યાન ના થાય. ડ્રાઇવિંગ દરમ્યાન ફોન પર વાત કરવાની છૂટ નહીં હોય. એટલે કે એક ઓક્ટોબરથી ડ્રાઇવિંગ કરતી વખતે મોબાઇલથી વાત કરવા પર 1000 રૂપિયાથી 5000 રૂપિયા સુધીનો દંડ લાગી શકે છે.

રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલયે નિવેદનમાં કહ્યું છે કે મોટર વેહિકલ રૂલ્સ 1989માં કરવામાં આવેલા સંશોધનો વિશે વટહુકમ જારી કર્યો છે, જેમાં મોટર વેહિકલ રૂલ્સની યોગ્ય રીતે દેખરેખ માટે એક ઓક્ટોબર, 2020થી પોર્ટલના માધ્યમથી વાહન સંબંધી દસ્તાવેજ અને ઈ-ચલણની જાળવણી કરવામાં આવશે.

વાહનચાલકોની હેરાનગતિ બંધ થશે

મંત્રાલયે કહ્યું હતું કે IT સર્વિસ અને ઇલેક્ટ્રોનિક્સ મોનિટરિંગના ઉપયોગથી દેશમાં વાહનવ્યવહાર નિયમોને સુચારુ રૂપે લાગુ કરી શકાશે. એની સાથે એનાથી વાહનચાલકોની હેરાનગતિ દૂર થશે અને લોકોને સુવિધા થશે.

પોર્ટલ પર બધું રેકોર્ડ થશે

પોર્ટલ પર ફિઝિકલ અને ઇલેક્ટ્રોનિક રૂપથી સર્ટિફિકેટ મેળવવા અને ઉપલબ્ધ કરાવવાની પ્રક્રિયાની જોગવાઈ કરવામાં આવી છે. આ પ્રકારે દસ્તાવેજની વેલિડિટી, એને જારી કરવાની તારીખ, એઓની તપાસનો સમય અને તારીખનો સિક્કો અને અધિકારીની ઓળખ આ પોર્ટલ પર રેકોર્ડ કરવામાં આવશે. એનાથી વાહનોની બિનજરૂરી ફરીથી તપાસ અટકાવવામાં મદદ મળશે, જેનાથી ડ્રાઇવરોની હેરાનગતિ બંધ થશે.

નવા નિયમોમાં એ જોગવાઈ કરવામાં આવી છે કે જો એન્ફોર્સમેન્ટ ઓફિસર ઇલેક્ટ્રોનિક માધ્યમથી દસ્તાવેજનું વિવરણ કાયદેસર જુએ છે તો એ દસ્તાવેજની હાર્ડ કોપી નહીં માગવામાં આવે. આમાં એવા મામલા પણ સામેલ છે, જેમાં કોઈ ગુનાને કારણે દસ્તાવેજને જપ્ત કરવામાં આવ્યા છે.