માતા વૈષ્ણો દેવીના ‘પૂજા-પ્રસાદ’નો લાભ હવે ઘેરબેઠાં મેળવી શકાશે

જમ્મુઃ કોરોના વાઇરસને કારણે અનેક શ્રદ્ધાળુઓ માતા વૈષ્ણો દેવીનાં દર્શન કરવા નથી જઈ શકતા. જોકે હવે ઘેરબેઠા પૂજામાં ભાગ લઈ શકાય છે અને પ્રસાદ પણ મળી શકશે. વૈષ્ણો દેવીના શ્રાઇન બોર્ડે પ્રસાદની પોસ્ટલ ડિલિવરી શરૂ કરી છે. શ્રી માતા વૈષ્ણો દેવી શ્રાઇન બોર્ડે (SMVDSB)એ એક નવી પહેલ શરૂ કરી છે, જેમાં ‘પૂજા-પ્રસાદ’ને ભક્તોના ઘર સુધી પહોંચાડવામાં આવશે. બોર્ડે સેવાઓ માટે પોસ્ટ વિભાગ સાથે ભાગીદારી કરી છે.  જેથી ‘ત્રિકુટા’ ત્રણ શિખર નામથી પ્રસિદ્ધ પહાડોથી પ્રસાદને ઘરોમાં પહોંચાડવામાં આવશે.

ત્રણ પેકેજ ઉપલબ્ધ

વૈષ્ણો દેવી શ્રાઇન બોર્ડે પ્રસાદની ત્રણ શ્રેણીઓ રાખવાનો નિર્ણય કર્યો છે.  બોર્ડ દ્વારા શરી કરવામાં આવેલી સેવાઓ ‘નો પ્રોફિટ નો લોસ’ને આધારે છે. આ સેવાઓને શ્રાઇન બોર્ડની સત્તાવાર વેબસાઇટના માધ્યમથી બુક કરી શકાય છે અથવા ભક્તો ટેલિફોનિક પદ્ધતિથી પણ પોતાનો પ્રસાદ બુક કરી શકે છે. ઉપલબ્ધ પ્રસાદ ત્રણ પેકેજ 500 રૂપિયા, 1100 રૂપિયા અને 2100 રૂપિયા છે. એક વાર જ્યારે કોઈ વ્યક્તિ પ્રસાદ બુક કરી લેશે, એ પછી SMVDSB દ્વારા એ ભક્ત નામની પૂજા કરાવવામાં આવશે. આ પૂજા જેતે શ્રદ્ધાળુને નામે 72 કલાકમાં કરાવવામાં આવશે અને એ ભકતને પ્રસાદ સ્પીડ પોસ્ટથી મોકલવામાં આવશે, એમ બોર્ડે કહ્યું હતું.

બોર્ડ દ્વારા જેતે ભક્તને એક બોક્સ મોકલવામાં આવશે, જેમાં પૂજાનો પ્રસાદ, એક પવિત્ર પુસ્તક, રક્ષાનો દોરો, ચાંદીનો સિક્કો, ડ્રાય ફ્રૂટ્સ અને લાલ કપડું (વૈષ્ણો દેવીની ચુંદડી) મોકલવામાં આવશે, જોકે એ પેકેજને આધારિત હશે. આ ‘પૂજા-પ્રસાદ’ સમગ્ર દેશમાં પહોંચાડવામાં આવશે.

વળી, ટૂંક સમયમાં ભક્તોને મંદિરમાં લાઇવ દર્શનની સુવિધા પણ બોર્ડ દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવશે. બોર્ડ 17 ઓક્ટોબરે એક એપ પણ લોન્ચ કરશે, જે દેશભરના લોકોને નવરાત્રિ દરમ્યાન મંદિરની ગુફા અને માતાનાં દર્શનનો લાભ આપશે.

વૈષ્ણો દેવીની યાત્રા 16 ઓગસ્ટથી શરૂ કરવામાં આવી છે, જેથી  શ્રદ્ધાળુઓ ‘પૂજા-અર્ચના’ તેમ જ અનુષ્ઠાન કરી શકે છે. જોકે વૈષ્ણો દેવીની યાત્રા દરમ્યાન કોવિડ-19ના દિશા-નિર્દેશોનું પાલન કરવાનું રહેશે.