અમદાવાદ- ઓટોરિક્ષાની સવારી આજથી મોંઘી બની રહી છે. CNGમાં 2.15 રૂપિયા અને PNGમાં 1.10 રૂપિયાનો ભાવ વધારો ઝીંકાયો છે. ગેસ કંપની ગુજરાત ગેસે આ ભાવ વધારો ઝીંક્યો છે.18મી તારીખની મધરાતથી જ આ વધારો કરવામાં આવ્યો છે. CNGના ભાવ વધતા રિક્ષાના કિ.મી.દીઠ ખર્ચમાં 10 પૈસાનો જ વધારો થશે.આભાવવધારાની દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના 18 લાખ જેટલા ગ્રાહકોને અસર થશે. અદાણી ગેસ પણ આજે મોડી રાત્રે કે, આવતીકાલે તેના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરે તેવી શક્યતા છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં છેલ્લાં 6 માસ દરમિયાન CNGના ભાવમાં આવેલા 6%ના વધારાને ધ્યાનમાં લઈને કેન્દ્ર સરકારે CNGનો સપ્લાય આપતી કંપનીઓને પહેલી એપ્રિલ 2018થી 6%નો ભાવ વધારો કરવાની છૂટ આપી હતી, જોકે આ વધારો 18 એપ્રિલથી એટલે કે આજથી લાગુ કરવાનો નિર્ણય લીધો હતો.
આ વધારો 17મી એપ્રિલના રાતના 12 વાગ્યા પછી અમલમાં આવી ગયો છે. ગુજરાત ગેસના CNGના અંદાજે 6 લાખ અને PNGના અંદાજે 12 લાખ મળીને કુલ 18 લાખ ગ્રાહકો પર આ ભાવ વધારાનો બોજ આવશે. જોકે રિક્ષામાં CNGના વપરાશ કરનારાઓએ કિલોમીટર દીઠ માત્ર 10 જ પૈસાનો બોજ વધશે.