આરટીઈ હેઠળ ઓનલાઈન એડમિશનનો આજથી પ્રારંભ

અમદાવાદઃ લાંબા સમયના વિલંબ પછી આખરે રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ (RTI) હેઠળની પ્રવેશ પ્રક્રિયાનો આજથી વિધિવત્ રીતે પ્રારંભ થવા જઈ રહ્યો છે. ધોરણ-૧માં પ્રવેશ મેળવવા માગતાં પાંચ વર્ષ પૂરાં કરી ચૂકેલાં ગરીબ અને વં‌ચિત જૂથનાં બાળકોના વાલીઓ આજથી તા.૧૯ એપ્રિલથી તા. પ મે સુધી ઓનલાઇન એડ‌િમશન ફોર્મ ભરી દસ્તાવેજી પુરાવા સાથે સ્વીકાર કેન્દ્રમાં જમા કરાવી શકશે.

૧ જૂન, ર૦૧૮ના સમયમાં જે બાળકે પાંચ વર્ષ પૂરાં કર્યાં હશે તે બાળકોને આરટીઇ હેઠળ ખાનગી શાળામાં પ્રવેશ મળી શકશે. બે મહિનાના વિલંબ બાદ આ પ્રક્રિયા આ વર્ષે શરૂ થઇ રહી છે. પ્રવેશ મેળવવા ઇચ્છતાં બાળકોના વાલીઓએ www.rtegujarat.org વેબ પોર્ટલ પર પ્રવેશફોર્મ ભરવું પડશે.

અરજી સાથે કયા આધાર-કયા પુરાવા રજૂ કરવાના રહેશે તે અંગેની માહિતી પોર્ટલ પર મુકવામાં આવી છે. આ ઉપરાંત અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીમાં પણ આ માહિતી નો‌ટિસબોર્ડ પર મુકાઇ છે. ઓનલાઇન પ્રવેશફોર્મ ૧૯ એપ્રિલથી પ મે સુધી ભરી શકાશે. ફોર્મ ભર્યા પછી તેની પ્રિન્ટ કાઢીને તેની સાથે જરૂરી આધાર- પુરાવા જોડીને નજીકના સ્વીકાર કેન્દ્ર પર જમા કરાવવાના રહેશે.

મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની તમામ શાળાઓમાં એડ‌િમશન માટે કુલ ૪૬ સ્વીકાર કેન્દ્ર નક્કી કરવામાં આવ્યા છે, જેમાં આરટીઇ વેબસાઇટ પર શાળાનું નામ, અધિકારીનું નામ, શિક્ષકનું નામ અને મોબાઇલ નંબરની જાણકારી આપવામાં આવી છે, જેથી કોઇ પણ વાલી તેને જરૂરી મદદ માટે જે તે વિસ્તારના સ્વીકાર કેન્દ્રના અધિકારીનો સંપર્ક કરી શકશે.

ઉપરાંત તેની બાજુની જ કોલમમાં શાળાનું લોકેશન ગૂગલ મેપ દ્વારા દર્શાવાયું છે, જે જોઇને વાલી કન્ફર્મ કરી શકશે કે તે શાળામાં તેમના બાળકને એડ‌િમશન અપાવવા ઇચ્છે તે શાળા તે જ છે. રિસી‌વિંગ સેન્ટરનો સમય સવારના ૧૧ થી પ સુધીનો રહેશે. અમદાવાદ શહેર તથા ગ્રામ્યની શાળાઓમાં આ વર્ષે અંદાજે ૧૩ હજારથી વધુ એડ‌િમશન આપવામાં આવશે. આરટીઇ પ્રવેશ માટે રાજ્યની ૯૮૪૬ શાળાઓમાં કુલ ૮૦ હજાર બાળકોને પ્રવેશ અપાશે. અમદાવાદ શહેર અને ગ્રામ્યની કુલ ૧ર૦૦ જેટલી શાળાઓમાં પ્રવેશ પ્રક્રિયા આજથી હાથ ધરાશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]