CM રૂપાણી વાવાઝોડાગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કરશે

અમદાવાદઃ રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી આજે વાવાઝોડાગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરશે. તેઓ ઉના, જાફરાબાદ અને રાજુલા વિસ્તારનું હવાઈ નિરીક્ષણ કરશે. ત્યાર બાદ તેઓ સ્થાનિક વહીવટી પ્રશાસનના અધિકારીઓ સાથે બેઠક કરીને નુકસાનનો અંદાજ મેળવશે અને જનજીવન સામાન્ય થાય એ માટે જરૂરી સૂચનાઓ આપશે.

આ પહેલાં વડા પ્રધાન મોદીએ વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કર્યું હતું અને તત્કાળ રૂ. 1000 કરોડની આર્થિક સહાય કરવાની જાહેરાત કરી હતી.

‘તાઉ તે’ વાવાઝોડાને લીધે જે વિસ્તારો અસરગ્રસ્ત થયા છે, એ વિસ્તારોમાં નુકસાનના સર્વેની કામગીરી શરૂ કરી દેવામાં આવશે. આ સાથે રાજ્યના મુખ્ય પ્રધાને સ્થળાંતર કરવામાં આવેલા લોકોને રોકડ સહાય ચૂકવવાની પણ જાહેરાત કરી છે. 16-17 મેએ સ્થળાંતર થયેલા લોકોને રાજ્ય સરકાર સાત દિવસની રોકડ સહાય ચૂકવશે, જેમાંવયસ્ક વયના વ્યક્તિને રૂ. 100 અને બાળકોને રૂ. 60 પ્રતિ દિવસ ચૂકવવામાં આવશે.

 

આ ઉપરાંત આજ સાંજ સુધીમાં વીજ પુરવઠો હોય કે ટ્રાન્સપોર્ટેશન સેવા, મોબાઇલ ટાવર અને રસ્તાઓ જે પણ સેવાઓ અને ગતિવિધિઓ બંધ છે તમામ સેવાઓ પૂર્વવત્ થઈ જશે, તેવો મુખ્ય પ્રધાને દાવો કર્યો છે.

કેન્દ્ર બાદ હવે રાજ્ય સરકારે વાવાઝોડામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારના સભ્યો માટે સહાય જાહેર કરી છે, જેમાં રાજ્ય સરકાર તરફથી પણ રૂ. ચાર લાખની સહાય અપાશે. આ ઉપરાંત વાવાઝોડામાં ઇજા પામેલા લોકોને રાજ્ય સરકાર તરફથી પણ રૂ. 50,000ની સહાય કરવામાં આવશે.