રામબનમાં વાદળ ફાટવાથી તબાહી, ગુજરાતી મુસાફરો સુરક્ષિત, રાહત કાર્ય શરૂ

જમ્મુ અને કાશ્મીરના રામબન જિલ્લામાં 20 એપ્રિલ, 2025ના રોજ વાદળ ફાટવાની ઘટનાએ તબાહી મચાવી, જેના કારણે નેશનલ હાઈવે 44 પર ભૂસ્ખલન થયું. આ દુર્ઘટનામાં ગુજરાત સહિત અન્ય રાજ્યોના હજારો મુસાફરો ફસાયા. ગુજરાત સરકારના રાહત કમિશનર આલોક કુમાર પાંડેના જણાવ્યા મુજબ, 50 ગુજરાતી મુસાફરો સુરક્ષિત છે, પરંતુ સૂત્રોનું કહેવું છે કે અરવલ્લીના 40, ગાંધીનગરના 30 અને પાલનપુરના 20 સહિત 1000થી વધુ ગુજરાતીઓ ફસાયા છે.

ગુજરાતના મુસાફરોની ટ્રાવેલ્સ બસ ભૂસ્ખલનથી દૂર સુરક્ષિત ઝોનમાં છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૂચનાઓને પગલે ગુજરાત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરે જમ્મુ-કાશ્મીરના અધિકારીઓ સાથે સંકલન કરી મુસાફરોની સલામતી સુનિશ્ચિત કરી. આર્મીના જવાનોએ ફસાયેલા મુસાફરોને ખોરાક, પાણી અને આર્મી કેમ્પમાં રહેવા-જમવાની વ્યવસ્થા પૂરી પાડી.

રાજ્યના મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, જમ્મુ-કાશ્મીર સરકાર સાથે સતત સંપર્કમાં રહીને ગુજરાતીઓને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. સ્થાનિક એસપી અને કલેક્ટર સાથે વાતચીત કરી વ્યવસ્થા કરાઈ છે, અને મુસાફરોને પરત લાવવા માટે વાતચીત ચાલુ છે.

ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે રામબન-બનિહાલ હાઈવે પર અનેક ટ્રક અને વાહનો ફસાયા, જેમાં કેટલાક ખીણમાં પડ્યા. આ ઘટનામાં ત્રણ લોકોના મોત થયા. કાશ્મીર પોલીસે જમ્મુથી આવતા વાહનોને પાછા ફરવા અને શ્રીનગરથી આવતા વાહનોને નજીકના કેન્દ્રોમાં રોકાવાની સૂચના આપી. ટ્રાફિક જામને કારણે હાઈવે પર કલાકો સુધી અફરાતફરી રહી, જેના કારણે ફ્લાઈટના ભાડામાં પણ તોતિંગ વધારો થયો.