સ્વચ્છ સર્વેક્ષણ: રેલવેલાઇનને કચરામુક્ત કરવા બેનર્સ લાગ્યાં

અમદાવાદઃ શહેરના નવરંગપુરા પોલીસ સ્ટેશનની એકદમ નજીક આવેલા રેલવે ફાટક પાસે ગંદકી ના થાય એ માટે મહાનગરપાલિકા દ્વારા અલગ જ અંદાજમાં તોરણ અને બેનર લગાડવામાં આવ્યાં છે. મહાનગરપાલિકાએ રેલવે ફાટક પાસે લગાડેલાં બેનરમાં લખ્યું છે…’આ સ્પોટને કચરામુક્ત કરવામાં આવ્યો છે. કચરો ડોર-ટુ-ડોરની ગાડીમાં જ આપવો. રોડ પર ગમે ત્યાં કચરો ફેંકવો ગુનો છે. ‘આ સાથે ઉપર નીચે કેસરી, વાદળી, લીલા અને ભૂખરા રંગનાં તોરણ આકારનાં બેનરમાં સ્વચ્છતાના સંદેશ અને સૂચના મૂકવામાં આવ્યાં છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડોર-ટુ-ડોર કચરો લઈ જવા માટેની સુવિધા હોવા છતાં કેટલીક જગ્યાએ લોકો ગમે ત્યાં કચરો ફેંકી ગંદકી કરતા હોય છે. સરકારી ખુલ્લી જગ્યાઓ, રેલવેની આસપાસના વિસ્તારમાં ગેરકાયદે બાંધકામની સાથે ગંદકીનું સામ્રાજ્ય જોવા મળતું હોય છે.

રેલવે વિભાગ અને મહાનગરપાલિકાઓ દ્વારા સ્વચ્છતા અંગેની જાગૃતિ સમયાંતરે જુદા-જુદા પ્રયાસ થતા હોય છે, પરંતુ નાગરિકો પોતે જ સ્વયં શિસ્ત રાખી શેરી, મહોલ્લા, સોસાયટી કે માર્ગોને કચરો ના ફેંકી ગંદકીમુક્ત રાખે તો જ ‘સ્વચ્છતા સર્વેક્ષણ-2023’ સાર્થક થાય.

(પ્રજ્ઞેશ વ્યાસ)