સુરત: ગુજરાતમાં દિવસેને દિવસે ડ્રગ્સનું ચલણ વધતું જાય છે. અત્યાર સુધી દારૂની પાર્ટી સામાન્ય પરંતુ જે પ્રમાણે ગુજરાતમાં ડ્રગ્સ કાળો કારોબાર ફૂલીફાલી રહ્યો છે, જેના લીધે હવે ડ્રગ્સ પાર્ટીઓ પણ સામાન્ય બનતી જાય છે. અંકલેશ્વરમાંથી 250 કરોડની કિંમતનું 427 કિલો ડ્રગ્સ ઝડપાયું છે, ત્યાં તો 24 કલાકમાં સુરતના મગદલ્લા વિસ્તારમાં ડ્રગ્સ પાર્ટીમાં સીઆઇડીએ રેડ પાડી સ્પા ગર્લ સહિત 14 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
સૂત્રો પ્રમાણે સુરત સીઆઇડી ક્રાઇમે બાતમી આધારે મગદલ્લા વિસ્તારમાં આવેલા એક મકાનમાં રેડ પાડી હતી. સીઆઇડી ક્રાઇમને બાતમી મળી હતી કે આ મકાનમાં દારૂ અને ડ્રગ્સ પાર્ટી ચાલી રહી છે. આ રેડમાં 9 વિદેશી યુવતીઓ અને 5 યુવાનોની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ તેમને મેડિકલ ટેસ્ટ માટે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા. સુરત સીઆઇડી ક્રાઇમે ડ્રગ્સનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. મેડિકલ ટેસ્ટ બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. કોના દ્વારા આ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું, ડ્રગ્સ ક્યાંથી લાવવામાં આવ્યું હતું. વિદેશી યુવતિઓને કોણે બોલાવી હતી વગેરેને પ્રશ્નોના જવાબ મેળવવા માટે તપાસનો ધમધમાટ શરૂ કરાશે. નોંધનીય છે કે આ પાર્ટીમાંથી નવ ગ્રામ એમડી ડ્રગ્સ, 22 ગ્રામ ગાંજો અને સાત દારૂની બોટલ જપ્ત કરવામાં આવી છે.
આપને જણાવી દઈએ કે, આજે સુરત અને ભરૂચ પોલીસે એક સંયુક્ત ઓપરેશ પાર પાડીને અંકલેશ્વરની અવસર એન્ટરપ્રાઇઝ નામની કંપનીમાંથી 427 કિલોનો ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે કંપની સંચાલક સહિત બે લોકોની ધરપકડ કરી લીધી છે. આ ડ્રગ્સનો જથ્થો એફએસએલમાં મોકલી આગળની તપાસ હાથ ધરી છે. ગાંધીના ગુજરાતમાં દારૂબંધી અમલમાં છે ત્યારે છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાં 93691 કિલો ડ્રગ્સ, 2229 લીટર પ્રવાહી ડ્રગ્સ તથા 73163 ડ્રગ્સ પીલ્સ-ઇન્જેક્શન પકડાયા છે. આમ, ગુજરાત ડ્રગ્સ તસ્કરીનું સિલ્ક રૂટ બની રહ્યું છે. મોંઘવારી, બેરોજગારી ઉપરાંત અન્ય કારણોસર સગીર વયના બાળકો, મહિલાઓને ડ્રગ્સની તસ્કરી માટે ડ્રગ્સ માફિયાઓ ઉપયોગ કરી રહ્યા છે.