ઉપલેટામાં વધ્યા કોલેરાના કેસ, 5ના મોત

રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં ગત શનિવારે કોલેરાથી 4 બાળકોના મૃત્યુ નીયજ્યાનું સામે આવ્યુ હતું. જે બાદ ફરી એક વખત 2 બાળકમાં ઝાડા-ઊલટીનાં લક્ષણો જણાતાં તેનાં સેમ્પલ લઈને જામનગર મેડિકલ કોલેજ ખાતે મોકલવામાં આવ્યા હતા. એ બન્ને કેસ પોઝિટિવ આવ્યા હતા, જેમાંથી એક બાળકનું મૃત્યુ નીપજ્યાનું જિલ્લા આરોગ્યતંત્રે જણાવ્યું છે, આથી કોલેરાને કારણે બાળકોનો મૃત્યુઆંક 5 પર પહોંચી ગયો છે.

કોલેરાથી વધતા મૃત્યુ આંકને લઈ તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસમાં સામે આવ્યુ હતું કે આ ગરીબ મજૂરો ગંદા લત્તામાં પ્લાસ્ટિકના વેસ્ટના ઢગલા પાસે રહેતા હતા. ચોખ્ખું, ફિલ્ટર અને જીવાણુમુક્ત કરેલું પાણી પૂરું પડાતું નહોતું, આથી કૂવા, બોરનું પ્રદૂષિત પાણી પીવા મજબૂર હતા અને એ કારણે 48 લોકોને ઝાડા-ઊલટી થયાં હતાં. ચોંકાવનારી વાત એ છે, કે ઉપલેટાના આ વિસ્તારમાંથી ઝાડા-ઊલટીના 48 કેસ મળ્યા છે. ત્યાં નર્મદાની પાઈપલાઈન નજીકમાંથી પસાર થતી હતી, પરંતુ કારખાનેદારોએ નિયમ અનુસારના પૈસા ભરીને મજૂરો માટે ચોખ્ખા પાણીનાં નળ જોડાણ લીધાં નહોતાં.

મળતી માહિતી અનુસાર અગાઉ 4 બાદ વધુ એક સહિત કુલ 5 બાળકોનાં મોત થઈ ચૂક્યાં છે. દર્દીઓને સારવાર અર્થે ઉપલેટા તેમજ જામનગરની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. કલેક્ટર વિભાગ દ્વારા છ જેટલાં કારખાનાં હાલ સીલ કરવામાં આવ્યાં છે. કેટલાંક ઔદ્યોગિક એકમો દ્વારા કૂવાના પાણીનો ઉપયોગ કરવામાં આવતો હતો. જ્યારે કે કેટલાક ઔદ્યોગિક એકમો દ્વારા બોરના પાણીનો ઉપયોગ કરવામાં આવતો હતો. તણસવા અને ગણોદ વિસ્તારમાં 11 જેટલા પ્લાસ્ટિક રિસાઇક્લિંગનાં કારખાનાં આવેલાં છે. જેમાં મોટાભાગના પરપ્રાંતીય મજૂરો પોતાના પરિવાર સાથે રહીને કામકાજ કરે છે.