અંબાજી- નવરાત્રિના પવિત્ર દિવસો ચાલી રહ્યા છે. નવરાત્રિ એટલે શક્તિ સુધી પહોંચવાનો અને સાક્ષાત જગદંબાની કૃપાને પામવાનો પવિત્ર અવસર. ચિત્ત માના ચરણોમાં લીન થઈ જાય ત્યારે જ એની કૃપાનો સાક્ષાત્કાર થાય છે. અને જ્યારે એની કૃપાનો સાક્ષાત્કાર થાય પછી એક ભક્તને જીવનમાં બીજું જોઈએ શું. તો આવો આપણે પણ આજે માં અંબાના ચરણોમાં ચિત્તને લીન કરીએ અને જાણીએ ગબ્બરગઢ પર બિરાજમાન આદ્યશક્તિ મા અંબાજીનો મહિમા…
ગબ્બર ગઢ પર જ્યોતિ સ્વરુપે પૂજાતાં આદ્યશક્તિના સ્થાનકનો આગવું મહાત્મ્ય છે. વાત એવી છે કે દક્ષ રાજાએ આયોજિત કરેલા યજ્ઞમાં ભગવાન શિવને સ્થાન ન આપવામાં આવ્યું. આ વાતની જાણ દક્ષ પ્રજાપતીના પુત્રી માતા સીતાને થઈ અને ત્યાં યજ્ઞ સ્થળે માતાજી ગયા અને ત્યાં ભગવાન શિવનું સ્થાન નથી અને શિવનું અપમાન થયું તે જોતા જ માતાજીએ પોતાની જાતને યજ્ઞ કુંડમાં હોમી દીધી. આ જાણી ભગવાન શિવ અત્યંત ક્રોધિત બની ગયા અને માતા સતીના દેહને લઈને તાંડવ નૃત્ય કર્યુ. ભગવાન શિવે ક્રોધીત થઈને કરેલા તાંડવથી પ્રલયની સ્થિતી સર્જાઈ. ત્યારે દેવોની વિનંતીથી વિષ્ણુ ભગવાને સુદર્શન ચક્ર દ્વારા સતીના અંગેનો વિચ્છેદ કર્યો હતો. આ વિચ્છેદ પામેલ અંગના ટુકડાઓ અને ઘરેણાંઓ જુદી જુદી એકાવન જગ્યાએ પડ્યાં હતા, અને જ્યાં જ્યાં માના અંગ પડ્યાં તે જગ્યાએ માતાજીની અલગ અલગ ૫૧ શક્તિપીઠો બની. તંત્ર ચૂડામણીમાં આ બાવન મહાપીઠોનો ઉલ્લેખ છે. તે પૈકી અંબાજીના ગબ્બર પર માતાજીના હૃદયનો ભાગ પડયો હોવાની માન્યતા છે તેથી અંબાજીનો આ ગબ્બરગઢ પવિત્ર શક્તિપીઠ ધામ તરીકે પૂજાય છે.
ભાગવતમાં ઉલ્લેખ છે કે ભગવાન શ્રીકૃષ્ણ માથાના વાળ ઉતારવાની વિધિ-ચૌલક્રિયા સંસ્કાર આરાસુરમા મા અંબાના સ્થાને થયાં હતાં. એ પ્રસંગે નંદ યશોદાએ માતાજીના સ્થાનકે જવારા વાવ્યા હતા અને સાત દિવસ સુધી અંબાજીમાં રહ્યા હતા. આજે પણ એ સ્થળ ગબ્બર પર્વત ઉપર જોવા મળે છે. પાંડવો વનવાસ દરમ્યાન આરાસુરમાં માતાજીનું તપ કરવા આરાસુરમાં રોકાયા હોવાનો ઉલ્લેખ પણ શાસ્ત્રોમાં જોવા મળે છે. આવી અનેક દંતકથાઓ અને લોકવાયકાઓ આ પૌરાણિક ધામનો પરિચય આપે છે. હાલ ગબ્બરગઢ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સૂચનથી 51 શક્તિપીઠનું સ્થાપન કરવામાં આવ્યું છે, જેથી ભક્તો ગબ્બરગઢ પર મા અંબાના દર્શન કરવા આવે ત્યારે 51 શક્તિપીઠના દર્શનનો લ્હાવો મળે છે.